Tue Jan 27 2026

Logo

White Logo

કેનવાસ મેરી નઝર... તેરી નઝર : યે મેરા ઘર... યે તેરા ઘર!

2 days ago
Author: Mumbaisamachar Team
Video

કેનવાસ - અભિમન્યુ મોદી

આદીમાનવો પાસે મકાન  હતા- ઘર ન હતા. ઘરની સમજ માણસને સમાજવ્યવસ્થાની ઉત્ક્રાંતિ પછી મળી છે. પણ ઘરની વિભાવના આદર્યા પછી માણસ પોતાને  વધુ સુરક્ષિત સમજતો થયો...

 ટાઢ- તાપ- જાનવરથી રક્ષણ મેળવતા તો આવડી ગયેલું પણ આ ઘરે કુદરતી અપત્તિઓના જોખમ સિવાયના બીજા સામાજિક જોખમો સામે રક્ષણ આપવાનું શરૂ કર્યું. માણસે મકાનમાંથી ઘર એ રીતે બનાવ્યું  , જે એને ભાવનાત્મક અભયારણ્ય જેવું લાગે. એવી જગ્યા જ્યાંથી એનું નામ, એની યાદો કે એની ઓળખ ભૂંસી ન શકાય. જ્યાં તે તેના પરિવારજનો સાથે તો રહે  પણ તેની મનગમતી ચીજવસ્તુઓ સાથે પણ રહે. માટે ઘર  એના મટે એવી જગ્યા બનતી ગઈ જ્યાં માણસ પોતાની આદતોને કેળવી શકે -પાળી શકે 

ભારતીય સંસ્કૃતિમાં અમર થઈ ગયું હોય એવું પાત્ર એટલે કૈકેયી. તેણે શું માગ્યું?

રામનો ઘરનિકાલ. રામે વર્ષો સુધી ઘરમાં નહીં રહેવાનું. આ તો રામ હતા. રામ જ્યાં ગયા તે જગ્યા સ્થળ એનું ઘર બની ગઈ.  સીતાનું અપહરણ રાવણ કરીને ગયો, પણ એની સોનાની લંકામાં ઘરનું સુખ ન મેળવી શક્યો અને આ તરફ અયોધ્યામાં શું થયું? રામની ગેરહાજરી હતી તો પણ રામની પાદુકા એ રાજ્ય પર રાજ કરતી હતી અને વનવાસ દરમિયાન પણ એ રામનગરી બનેલી રહી. ઘર એ નથી કે જ્યાં માણસ સદેહે હાજર હોય જ. ઘર એ છે કે જ્યાં એની ખોટ ખાલીપણું ન બને. ગેરહાજરીમાં પણ હાજરી શ્વાસ લેતી રહે એ ઘર છે. 

જોકે  આ આર્કિટેક્ચર અને પુખ્તવસ્થાની વચ્ચેથી કશુંક સરકી ગયું. આજના સમયમાં ચોપાસ એક નજર ફેરવો. લોકો ક્યાં રહે છે, કેવી રીતે રહે છે, શું કામ રહે છે? આજે કોઈ માણસ ઉપર  પ્રાચીન રોમન સંસ્કૃતિની જેમ હાથ ઉપાડવામાં આવતો નથી કે એને મારવામાં આવતો નથી તો પણ એ માણસ ખુદ પોતાના જ ઘરની ચાર દીવાલો વચ્ચે પોતાને ભૂંસાયેલો ભાળે છે. તેનો સામાજિક બહિષ્કાર નથી થયો હોતો, તેની ઉપર દુશ્મનોએ આક્રમણ કર્યું નથી હોતું પણ તે ચાર દીવાલો વચ્ચેના ઘરમાં સંધાન અનુભવતો નથી.

‘ઇન્સ્ટાગ્રામ’માં બધા કહે છે કે  ‘હોમ ઇઝ વ્હેર ધ હાર્ટ ઇઝ...’  ‘દિલ ત્યાં ઘર’ ની પંક્તિ કાવ્યાત્મક છે,  પણ અસલ ઘર ત્યાં છે જ્યાં દિલને સરકવાની, તોફાન કરવાની, ગોથું ખાવાની, પ્રયોગ કરવાની આઝાદી હોય. જ્યાં તેને કોઈ જજ ન કરે, જ્યાં તે કામ કર્યા વિના પણ થાકી શકે, જ્યાં તે કારણ વિના મૌન થઈ શકે, જ્યાં તે કંઈ પણ લલકારી શકે. પણ જો કોઈ જગ્યાએ સતત લાગણીઓને શસ્તબદ્ધ રાખવી પડતી હોય તો એ લક્ઝરીયસ પ્રોપર્ટી ઘર નથી, નિયંત્રિત વાતાવરણ માત્ર છે.

આજના કશ્મકશ ભર્યા સમયમાં મોટા ભાગના લોકો માટે ઘર એટલે માત્ર છત. 

થોડા વધુ સુખી લોકો માટે ઘર એટલે એવી છત જેની નીચે ઇન્ટિરિયર થયેલું હોય, પોતાને જોઈતી સગવડતા હોય. અમુક માટે ઘર આ  બધી ક્રાઇટેરિયા-માપદંદથી વિશેષ હોય છે. બની શકે ને કે એના માટે ઘર એટલે એક  એવી ગુફા, જ્યાં બહારના જંગલમાં જીવ બચાવતા બચાવતા એ પોતાની ગુફામાં ભરાઈને શ્વાસ હેઠો બેસાડી શકે અને પોતાના અનેક જખ્મો રુઝાવી  શકે. એવી જગ્યા જોઈતી હોય જ્યાં એની આંખો ઠરે, કાનને સુકુન મળે ને એકલા પણ રહી શકાય.

પહેલા જેમ સામાજિક અવગણના મોટી સજા ગણાતી અને એમ આજની અઈં  લાઈફમાં ઘર એવી જગ્યા હોઈ શકે જ્યાં રહીને તમારે કલાકો સુધી કોઈને પણ ન જોવા હોય, એવું પણ બને...  આજે ઘરોની સંખ્યા વધુ છે અને એ જ ઘરોમાં રહેતા લોકો બેઘર હોવાની લાગણી અનુભવે છે. જે રુફ રેસ્ટ ન આપી શકે એનું શું કામનું ? સૌથી સુંદર ઘર હોય તો શબરીનું જેણે જાતમહેનતે એના ભગવાનની રાહમાં તણખલાથી બનાવ્યું હતું અને જ્યાં બોર ખાઈને રામને અપ્રતિમ તૃપ્તિની અનુભૂતિ થઇ હતી. આજે  આવી પરમ તૃપ્તિ આપણને આપણા ઘરમાં મળે છે ખરી?