આણંદઃ જિલ્લામાં આવેલા 10 હજારની વસ્તી ધરાવતા ધર્મજ ગામની હાલ વિશ્વમાં ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. આ ગામને વિશ્વમાં NRI ગામથી ઓળખવામાં આવે છે. આ ગામમાં પ્રવેશતા જ કોઈ વિકસિત યુરોયિપન શહેરમાં આવી ગયા હોય તેવો લોકોને અનુભવ થાય છે. આ ગામની આર્થિક તાકાતનો અંદાજ અહીં આવેલી બેંકોમાં 8000 કરોડથી વધારે રકમની એફડી હોવા પરથી લગાવી શકાય છે. આ ગામમાંથી 13થી વધુ બેંક છે. આ ગામનો ખેડૂત પણ કરોડપતિ છે અને ગામનું અર્થતંત્ર પણ શહેરને ટક્કર મારે તેવું છે.
દર વર્ષે ઉજવાય છે ધર્મજ ડે
ધર્મજનો પાયો 19મી સદીમાં નંખાયો હતો. સમયની સાથે લોકો રોજગાર અને વેપાર માટે વિદેશ જવા લાગ્યા પરંતુ માતૃભૂમિ સાથે છેડો ન ફાડ્યો. પરિવારનો કોઈ સભ્ય વિદેશમાં સ્થાયી ન થયો હોય તેવું ભાગ્યે જ કોઈ ઘર હશે. બ્રિટન, અમેરિકા, કેનેડા અને આફ્રિકા જેવા દેશોમાં આશરે 3000 પરિવાર વસેલા છે. પરંતુ આ પ્રવાસી ભારતીય માત્ર પૈસા કમાવા સુધી જ મર્યાદીત નથી રહ્યા પરંતુ પોતાના ગામના વિકાસને પણ પ્રાધાન્ય આપ્યું છે. દર વર્ષે ગામમાં ધર્મજ ડે મનાવવામાં આવે છે. જ્યાં વિશ્વભરમાંથી એનઆરઆઈ ગામમાં આવે છે અને ગામના વિકાસ માટે યોગદાન આપે છે. સ્કૂલ, હોસ્પિટલ, સડક, પાણી, શિક્ષણ દરેક ક્ષેત્રમાં સહયોગ સ્પષ્ટ જોવા મળે છે.
ગામમાં નથી કોઈ પોલીસ સ્ટેશન
10 હજારની વસ્તી ધરાવતા ગામમાં કોઈ પોલીસ સ્ટેશન નથી. જો ક્યારેક વિવાદ થાય તો ગામના વડીલો, પંચાયત અને યુવાનો પરસ્પર સહમતિથી સમસ્યાનો ઉકેલ લાવે છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે, તેમના પૂર્વજોએ કહ્યું હતું કે, તમે વિશ્વના કોઈપણ ખૂણામાં જાવ પરંતુ તમારા મૂળને ન ભૂલતા. આ સંસ્કાર આજે ધર્મજની ઓળખ બની ગયા છે.
શહેરને પણ ટક્કર મારે તેવી છે આધુનિક વ્યવસ્થા
ધર્મજ ગામમાં હાઈ સ્પીડ વાઈ ફાઈ, આધુનિક ડ્રેનેજ સિસ્ટમ અને 24 કલાક પીવાના પાણીની વ્યવસ્થા છે. સ્વાસ્થ્ય સેવાની વાત કરવામાં આવે તો અહીં હૉસ્પિટલ, ગાયનેક સેંટર, ફિઝિયોથેરાપી ક્લિનિક તથા અન્ય તબીબી સેવા ખૂબ જ ઓછા ખર્ચે ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં જલારામ મંદિર પણ છે, જ્યાંથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું જતું નથી.
હેરિટેજ મકાનો પણ છ ધર્મજ ગામમાં
આ ગામ માત્ર તેની આધુનિકતા જ નહીં પરંતુ 100 વર્ષ જૂના હેરિટેજ માટે પણ જાણીતું છે. ગામમાં આજે પણ ઘણા મકાનની દીવાલો પર મોર, કૃષ્ણ, હાથી અને પૌરાણિક કથાઓની કલાકૃતિ કંડારેલી જોઈ શકાય છે.
ગામ લોકોનું કહેવું છે કે અમારું ગામ પહેલાંથી જ એડવાન્સ છે. દર વર્ષે જાન્યુઆરીમાં અમે ધર્મજ ડે સેલિબ્રેટ કરીએ છીએ. આ અવસર પર દેશ-વિદેશમાં વસતા લોકો આવે છે. ગામમાં 10 હજારની વસ્તી હોવા છતાં મેટ્રો જેવી સુવિધાઓ છે. અહીંયા તમામ સુવિધા છે. દરેક ઘરમાં ફિલ્ટર વૉટર સપ્લાય કરવામાં આવે છે. ધર્મજ ગામે સંદેશ આપ્યો છે કે જો એનઆરઆઈ અને સ્થાનિકો એકજૂથ થાય તો સરકારી સહાય વગર પર વિકાસ કરી શકાય છે.