મુંબઈ: અંધેરી (પશ્ચિમ)ના સ્વામી સમર્થ નગરથી વિક્રોલી સુધીની મેટ્રો 6 કાંજુરમાર્ગ સ્થિત વિવાદાસ્પદ મેટ્રો કાર ડેપો વિના શરૂ થઈ જવાની શક્યતા છે. ડેપો તૈયાર થતા હજી બે વર્ષ લાગે એમ હોવાથી એની જરૂરિયાત ટાળવા એમએમઆરડીએ વિક્રોલીના છેડે એક વિશિષ્ટ આયોજન કરી રહ્યું છે, જેમાં એલિવેટેડ આઠ-લેન કોરિડોર મુખ્ય છે. ડેપો-મુક્ત મેટ્રો કોરિડોર ચલાવવા એમએમઆરડીએની યોજનાનો આ એક ભાગ છે.
આ વર્ષે જૂન પછી મેટ્રો 6 શરૂ કરવાનું આયોજન છે. જાણકારી આપતા એમએમઆરડીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'આઠ એલિવેટેડ પિટ લાઇન બનાવવામાં આવશે જે અમારા સ્ટાફને રેક્સની નિયમિત જાળવણી અને તપાસ કરવાની સુવિધા આપશે. સમયાંતરે કામકાજ માટે મંડાળે ડેપો ઉપયોગમાં લઈ શકાય છે.' એમએમઆરડીએ અગાઉ એલિવેટેડ ડેકનું બાંધકામ શરૂ કરી દીધું છે જે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની સમાંતર ચાલશે.
ડેવલપમેન્ટ ઓથોરિટીએ મેટ્રો ડેપો માટે કાંજુરમાર્ગ ખાતે 15 હેક્ટર જમીન માંગી હતી. જોકે, એ મીઠાના અગરની જમીન હોવાને કારણે હાલમાં સરકારી પ્રક્રિયાઓમાં ફસાયેલી છે. પરંતુ જ્યાં પણ શક્ય હોય ત્યાં મેટ્રો સ્ટેશનોની બાજુમાં આઠ-પીટ ડેક અને સિંગલ પીટ લાઇનો હોવાથી કાંજુરમાર્ગ કાર ડેપો માટે રાહ જોવાની જરૂર નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતી આ મહત્વપૂર્ણ 15.31 કિમી મેટ્રો લાઇનને ચલાવવા માટે પૂરતા રેક ઉપલબ્ધ છે. "શરૂઆતમાં, અમને છ થી આઠ રેકની જરૂર પડશે જે દર છ થી આઠ મિનિટે કાર્યરત થઈ શકે," એમએમઆરડીએના એક સૂત્રએ જણાવી ઉમેર્યું હતું કે 'રેકની માંગ વધશે, ત્યાં સુધીમાં કાંજુરમાર્ગ ડેપોનું નિર્માણ અને તૈયારી પૂર્ણ થઈ જશે.'
મહારાષ્ટ્ર સરકારે એપ્રિલ 2023 માં કાંજુરમાર્ગ ડેપોના નિર્માણ માટે 15 હેક્ટર જમીન સોંપી હતી. મે 2023માં સંલગ્ન પ્રવૃત્તિ માટે વધારાની સાત હેક્ટર જમીન માગવામાં આવી હતી જે હજુ પણ વિચારણા હેઠળ છે.