શ્રીનગર: થોડા દિવસો પહેલા પાકિસ્તાન તરફથી કેટલાક ડ્રોન્સ આંતરરાષ્ટ્રીય બોર્ડ પાર કરીને જમ્મુ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતાં, જેને તોડી પાડવા ભારતીય સેનાએ ગોળીબાર કર્યો હતો. એવામાં અહેવાલ છે કે ગત રાત્રે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ભારતીય અને પાકિસ્તાની સૈનિકોએ સામસામે ગોળીબાર કર્યો હતો.
અહેવાલ મુજબ 6 રાષ્ટ્રીય રાઇફલ્સના સૈનિકો કેરન બાલા વિસ્તારમાં લાઈન ઓફ કંટ્રોલ પાસે હાઇ-ટેક સર્વેલન્સ કેમેરા ઇન્સ્ટોલ કરી રહ્યા હતાં, ત્યારે પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો.
ભારતીય સૈનિકોના કામમાં અડચણ નાખવા માટે પાકિસ્તાન સેનાએ નાના હથિયારોથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, ભારતીય સેનાએ જવાબ આપતા સામે ગોળીબાર કર્યો હતો. કોઈ પણ પક્ષે જાનહાનિના કોઈ અહેવાલ નથી.
ઘૂસણખોરીની શંકા:
ભારતીય સેનાને શંકા છે કે આતંકવાદીઓની ઘૂસણખોરીથી ધ્યાન ભટકાવાવા પ્રયાસ માટે આ ગોળીબાર કરવામાં આવ્યો હોઈ શકે છે. ભારતીય સેનાએ ગાઢ જંગલ વિસ્તારમાં ઘેરાબંધી કરી છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
નોંધનીય છે કે શિયાળાના મહિનાઓ બરફ વર્ષા દરમિયાન ઘૂસણખોરીની ઘટનામાં વધારો થાય છે. ઘૂસણખોરી માર્ગો પર નજર રાખવા ભારતીય સેના ટેકનિકલ સર્વેલન્સને અપગ્રેડ કરતી રહે છે.
કિશ્તવાડમાં અથડામણ દરમિયાન 8 જવાનો ઘાયલ:
નોંધનીય છે કે 18-19 જાન્યુઆરીની રાત્રિ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના જંગલમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના 8 જવાનો ઘાયલ થયા હતાં. અચાનક ગ્રેનેડ હુમલો થયો. બીજા દિવસે સારવાર દરમિયાન એક જવાન શહીદ થયો.