તહેરાન : અમેરિકા દ્વારા ઈરાન પર ગમે ત્યારે હુમલો થવાની આશંકા છે. તેમજ ઈરાન અને અમેરિકા વચ્ચે સતત તણાવ પણ વધી રહ્યો છે. તેવા સમયે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની તહેરાનમાં અંડર ગ્રાઉન્ડ શેલ્ટરમાં શિફ્ટ થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તેમજ ઈરાનનું શાસન તેમણે તેમના ત્રીજા પુત્રને સોંપી દીધું છે. સરકારી સુત્રોને ટાંકીને આપવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે, અમેરિકાના હુમલાની આશંકાની ગંભીરતાને લીધે ખામેની ભૂગર્ભમાં જતા રહ્યા છે. તેમજ ખામેનીએ તેમના એક પુત્રને હાલ શાસન સોંપી દીધું છે.
ખામેનીના ત્રીજા પુત્ર મસૂદ ખામેની કામકાજ સોંપાયુ
આ અહેવાલ મુજબ, આ ભૂગર્ભ સુવિધા એક અત્યંત સુરક્ષિત અને કિલ્લેબંધીવાળી જગ્યા છે. જેમાં અસંખ્ય એકબીજા સાથે જોડાયેલી ટનલ છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે ખામેનીના ત્રીજા પુત્ર મસૂદ ખામેનીના હાલમાં સુપ્રીમ લીડરના કાર્યાલયના રોજિંદા કામકાજ સોંપવામાં આવ્યું છે અને સરકારની કારોબારી શાખાઓ સાથે સંપર્કમાં છે.
અમેરિકાએ મધ્ય પૂર્વમાં લશ્કરી તૈનાતી વધારી
આ દરમિયાન અમેરિકાએ મધ્ય પૂર્વમાં લશ્કરી તૈનાતી વધારી છે. યુએસ નેવીનું યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ હાલમાં હિંદ મહાસાગરમાં છે અને આગામી દિવસોમાં અરબી સમુદ્ર અથવા પર્સિયન ગલ્ફ સુધી પહોંચી શકે છે. આ સ્ટ્રાઈક ગ્રુપમાં યુએસએસ સ્પ્રુઅન્સ, યુએસએસ ફ્રેન્ક ઇ. પીટરસન જુનિયર અને યુએસએસ માઈકલ મર્ફી જેવા માર્ગદર્શિત મિસાઈલ વિનાશક જહાજોનો પણ સમાવેશ થાય છે.એર એટેકની દ્રષ્ટિએ, વાહક સ્ટ્રાઈક ગ્રુપે F-35C સ્ટીલ્થ ફાઇટર જેટ અને F/A-18E સુપર હોર્નેટ એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. અમેરિકાએ F-15E સ્ટ્રાઈક ઇગલ્સ અને યુકેએ ટાયફૂન ફાઇટર જેટ પણ આ વિસ્તારમાં તૈનાત કર્યા છે.
ઈરાને પણ તેના દળોને હાઈ એલર્ટ પર રાખ્યા
અમેરિકાની હુમલાની ધમકી બાદ ઈરાને કડક વલણ અપનાવ્યું છે. ઈરાની અધિકારીઓએ ચેતવણી આપી છે કે કોઈપણ લશ્કરી હુમલો, ભલે મર્યાદિત હોય, તેને "સંપૂર્ણ યુદ્ધ" ગણવામાં આવશે. ઈરાને પણ તેના દળોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. ખામેનીના ભૂગર્ભ આશ્રયસ્થાનમાં પીછેહઠના સમાચારને આ વધતા જતા ખતરાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે.