નવી દિલ્હી: હિમાલયના રાજ્યો અત્યારે ઋતુચક્ર સૌથી ખરાબ અને ગંભીર જળવાયુ પરિવર્તનના ભોગ બન્યા છે. હાલ એકતરફ દુષ્કાળ સમાન સ્થિતિએ ભારે ચિંતા જગાવી છે અને બીજી તરફ ભડકે બળી રહેલા જંગલોએ તેમાં વધારો કર્યો છે. હિમાલયી રાજ્યોમાં આ વર્ષે કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં શિયાળાની ઋતુમાં વરસાદ અને હિમવર્ષાના અભાવે ગંભીર 'હાઇડ્રોલોજિકલ ડ્રોટ' જેવી સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગના આંકડા મુજબ વર્ષ 2021માં શિયાળા દરમિયાન જે વરસાદ 182 મીમી નોંધાયો હતો, તે વર્ષ 2026માં શૂન્ય સુધી પહોંચી ગયો છે. બરફવર્ષા પણ સાવ નહિવત્ થતા પર્વતો કોરાકટ પડ્યા છે. આ ડ્રાય સ્પેલને કારણે ગ્લેશિયર્સના 'માસ બેલેન્સ' પર નકારાત્મક અસર પડવાની ભીતિ છે, જેનાથી ભવિષ્યમાં ગ્લેશિયર પીગળવાનો દર વધશે અને નવી સુપ્રા-ગ્લેશિયર સરોવરો બનતા પૂર જેવી હોનારતોનું જોખમ વધી શકે છે.
બીજી તરફ, વરસાદના અભાવે સૂકા બનેલા જંગલોમાં આગની ઘટનાઓ વિકરાળ બની છે. નવેમ્બર 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન ઉત્તરાખંડના અલ્મોડા, બાગેશ્વર, પિથોરાગઢ અને નૈનીતાલ જેવા જિલ્લાઓમાં 62થી વધુ આગની ઘટના બની છે, જેમાં અંદાજે 260 હેક્ટર જંગલો બળીને ખાખ થઈ ગયા છે. આગના કારણે હવામાં 'બ્લેક કાર્બન'નું પ્રમાણ 8થી 10 ગણું વધી ગયું છે. પર્વતીય વિસ્તારો જ્યાં હવા શુદ્ધ હોવી જોઈએ, ત્યાં AQI 150ને પાર કરી ગયો છે. ધુમાડા અને ધુમ્મસના કારણે હિમાલયની પવિત્ર ચોટીઓ જોવી પણ દુર્લભ બની છે, જે પ્રવાસન ઉદ્યોગ માટે મોટો ફટકો છે.
આ આબોહવા પરિવર્તનની સીધી અસર રવિ પાક અને બાગાયતી ખેતી પર પડી છે. ઉત્તરાખંડના કૃષિ વિભાગના મતે રવિ પાક ખાસ કરીને ઘઉંમાં 15થી 20 ટકા નુકસાનનું અનુમાન છે. 90 ટકા ખેતી વરસાદ આધારિત હોવાથી બીજનું અંકુરણ થઈ શક્યું નથી. ગરમ દિવસો અને અતિશય ઠંડી રાત્રિઓને કારણે સફરજન, જરદાળુ અને પ્લમ જેવા ફળોમાં સમય પહેલા ફ્લાવરિંગ થવાનું જોખમ છે. બ્લેક કાર્બનમાં વધારાને કારણે હવામાન ધીમે ધીમે દૂષિત બની રહ્યું છે, તેમાંય વરસાદમાં વિલંબની સાથે 260 હેક્ટર જમીન બળી જવાને કારણે પાકપાણીને અસર થઈ છે, જે ચિંતાની બાબત છે. આ સ્થિતિ જો લાંબી ચાલશે તો હિમાલયની જીવસૃષ્ટિ અને આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.