Tue Jan 27 2026

Logo

White Logo

પ્રયાગરાજમાં વાયુસેનાનું વિમાન તળાવમાં ખાબક્યું; જુઓ દ્રશ્યો

6 days ago
Author: Savan Zalariya
Video

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઇન્ડિયન એરફોર્સ(IAF)નું એક ટ્રેઈની વિમાન તળાવમાં ક્રેશ થયું હતું, જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું. ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, વિમાનના બંને પાયલોટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનને પાણીની બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  

સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્લેન કાબુની બહાર જતું રહ્યું હતું અને તળાવના પાણીમાં ખાબક્યું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડાઇવર્સ અને ફાયર ટેન્ડરો પહોંછે એ પહેલા અને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતાં. 
 

તળાવના પાણીમાં પડેલા નાના વિમાનના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે વિમાનનો કાટમાળ વિખરાયેલો પડ્યો છે, લોકો જોવા માટે તળાવના કાંઠે એકઠા થઇ ગયા છે. તળાવના પાણી પર જળકુંભી છવાયેલી છે.
 

એરફોર્સના પ્રવક્તાના જણાવ્યા મુજબ વિમાને પ્રયાગરાજના એરફોર્સ સ્ટેશન બામરૌલીથી ટેક ઓફ કર્યું હતું, ફ્લાઈટ દરમિયાન દરમિયાન ટેકનિકલ સમસ્યા ઉભી થઈ ગઈ હતી, બપોરે 12.07 વાગ્યે વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.  

પાઈલોટે વિમાનને પ્રયાગરાજની કેપી કોલેજ પાછળ આવેલા તળાવમાં ઉતાર્યું, સ્થાનિકો તુરંત પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. તળાવની આસપાસના વિસ્તારની નાકાબંધી કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

ગત વર્ષે નવેમ્બર મહિનામાં ચેન્નઈ ચેંગલપટ્ટુ જિલ્લામાં તાંબરમ નજીક વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું હતું, એ ઘટનામાં પણ પાયલોટને સુરક્ષિત રીતે બહાર નીકળવામાં આવ્યો હતો..