વર્ષ 2026માં પવિત્ર ચાર ધામ યાત્રાનો પ્રારંભ 19મી એપ્રિલથી થવા જઈ રહ્યો છે. અક્ષય તૃતિયાના શુભ અવસરથી શરૂ થતી આ યાત્રામાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ એમ ચાર પવિત્ર ધામોના દર્શનનું વિશેષ મહત્વ છે. જો તમે પણ આ વર્ષે આધ્યાત્મિક શાંતિ માટે ચાર ધામ જવાનું વિચારી રહ્યા હોવ, તો રજિસ્ટ્રેશન પ્રોસેસ અને જરૂરી નિયમો જાણી લેવા ખૂબ જ આવશ્યક છે.
ઉત્તરાખંડ સરકાર દ્વારા યાત્રિકોની સુરક્ષા અને ભીડને નિયંત્રિત કરવા માટે જીપીએસ (GPS) આધારિત સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ માટે દરેક યાત્રિકે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જે એક 'યાત્રા ઈ-પાસ કાર્ડ' તરીકે કામ કરશે અને તમને ભોજન તથા રહેવા જેવી સુવિધાઓ મેળવવામાં મદદરૂપ થશે.
કઈ રીતે કરાવશો ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન?
જો તમે પણ આ વર્ષે ચાર ધામની યાત્રા પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને રજિસ્ટ્રેશન કરવા માંગો છો અહીં રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય છે એની માહિતી આપવામાં આવી છે.
ઓફિશિયલ વેબસાઇટ: registrationandtouristcare.uk.gov.in પર જઈને પર્સનલ ડિટેઈલ્સ અને આઈડી પ્રૂફ અપલોડ કરી ક્યુઆર કોડ સાથેનું પત્ર ડાઉનલોડ કરી શકાય છે.
વોટ્સએપ: તમારા મોબાઈલમાંથી 8394833833 નંબર પર 'Yatra' લખીને મેસેજ કરો. ત્યારબાદ પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપીને રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ કરી શકાશે.
ટોલ-ફ્રી નંબર: તમે 01351364 પર કોલ કરીને પ્રતિનિધિની મદદથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
ઓફલાઇન કાઉન્ટર: જો તમે ટેકનોલોજીથી પરિચિત નથી, તો હરિદ્વાર (રાહી હોટેલ), ઋષિકેશ (ISBT, RTO, ગુરુદ્વારા), બરકોટ, હીના, સોનપ્રયાગ અને પાંડુકેશ્વર ખાતે આવેલા સરકારી કાઉન્ટર્સ પર જઈને ઓફલાઇન રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો.
આ સિવાય જો તમે પોતાના પ્રાઈવેટ કે પછી કમર્શિયલ વેહિકલમાં મુસાફરી કરવાના હોવ, તો ઉત્તરાખંડ પરિવહન વિભાગની વેબસાઇટ greencard.uk.gov.in પરથી ગ્રીન કાર્ડ અને ટ્રિપ કાર્ડ મેળવવું ખૂબ જ અનિવાર્ય છે. આ કાર્ડ વિના પહાડી રસ્તાઓ પર વાહન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાર ધામ અત્યંત ઊંચાઈ પર આવેલા છે, જ્યાં ઓક્સિજનની કમી અનુભવાય છે. આ જ કારણસર યાત્રા શરૂ કરતા પહેલાં તમામ યાત્રિકોએ પોતાનું મેડિકલ ચેકઅપ કરાવવું અને સરકાર દ્વારા જારી કરવામાં આવેલી 'હેલ્થ એડવાઈઝરી'નું પાલન કરવું હિતાવહ છે. એમાં પણ ખાસ કરીને હૃદયરોગ અથવા શ્વાસની તકલીફ ધરાવતા લોકોએ વિશેષ સાવધાની રાખવી જોઈએ.