Tue Jan 27 2026

Logo

White Logo

પદ્મશ્રી શહાબુદ્દીન રાઠોડ બાદ પદ્મશ્રી હાજી કાસમના નામ માટે પણ ફોર્મ નંબર-7 ભરાયું!

3 hours ago
Author: Pooja Shah
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ (SIR) દરમિયાન કૉંગ્રેસ ચૂંટણી પંચ પર સતત આક્ષેપો કરી રહી છે અને યાદીમાં કથિત ગોટાળા માટે સુપ્રીમ કોર્ટ સુધી જવાની વાત પણ કૉંગ્રેસના નેતાઓ કરે છે. તેવામાં ફરી પક્ષના પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી પંચ સામે સવાલ કરતી એક ટ્વીટ કરી છે. 
થોડા દિવસ અગાઉ ગુજરાતના ખૂબ જ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠાડના નામને મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર-7 ભરાયાની વાત પક્ષના ચોટીલા પૂર્વ ધારાસભ્ય ઋત્વીક મકવાણાએ પ્રકાશમાં લાવી હતી ત્યારે હવે ફરી સૌરાષ્ટ્રનાં ખૂબ જણીતા કલાકાર હાજી કાસમ રાઠોડ જેઓ હાજી રમકડુંના નામે જાણીતા છે તેમનું નામ કમી કરવાની અરજી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. હાજી કાસમને બે દિવસ પહેલા જ ભારત સરકારે પદ્મ શ્રી એનાયત કર્યો છે.


 
દોશીએ ટ્વીટ કરી લખ્યું હતું કે સૌરાષ્ટ્ર અને ગુજરાતને દેશ અને વિદેશમાં પોતાની કળાને લઈ ગૌરવ અપાવનારા શાહબુદ્દીન રાઠોડ બાદ હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંના નામને મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. બે દિવસ પહેલા જ હાજી રમકડુંની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. તેની વચ્ચે જ ભાજપના કોર્પોરેટર દ્વારા ફોર્મ નંબર 7 ભરી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા અરજી કરાતા ચકચાર મચી છે. 

બે દિવસ અગાઉ જાણીતા હાસ્ય કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શહાબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે કોઈ અજાણ્યા શખસ દ્વારા ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યું હોવાની માહિતી બહાર આવી હતી. આ ઘટના બહાર આવતા જ સ્થાનિક રાજકારણ અને સામાજિક ક્ષેત્રે ભારે ચકચાર વ્યાપી ગયો હતો અને ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા.

ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પુરાવા સાથે આ મામલે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે  જે વ્યક્તિ સમગ્ર શહેર અને દેશનું ગૌરવ છે, તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે જે રીતે ફોર્મ ભરાયું છે તે એક મોટા કાવતરાનો ભાગ છે. મકવાણાએ આક્ષેપ કર્યો કે શાસક પક્ષને અનુકૂળ ન હોય તેવા અથવા વિરોધ પક્ષના સમર્થકોના નામ યાદીમાંથી વ્યવસ્થિત રીતે કાઢી નાખવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.

ચૂંટણી પંચના નિયમ મુજબ, ફોર્મ નંબર 7 નો ઉપયોગ કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી કમી કરવા અથવા તેની સામે વાંધો ઉઠાવવા માટે થાય છે. પૂર્વ ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યો છે કે જો પદ્મશ્રી જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિના નામ સાથે આવું થઈ શકતું હોય, તો સામાન્ય નાગરિકના મતાધિકારની સુરક્ષા શું? તેમણે આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી હતી. જોકે તે સમયે ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે અમે જેમના નામે અરજી થઈ હોય તેમને બોલાવી તેમની સુનાવણી કરી ત્યારબાદ જ નિર્ણય લઈએ છીએ.