Tue Jan 27 2026

Logo

White Logo

કચ્છના કાળમુખા ભૂકંપની ૨૫મી વરસી: કેમ ભુલાશે એ તારાજી

1 day ago
Author: MayurKumar Patel
Video

પ્રજાસતાક દિવસે ફરકાવાતા તિરંગામાં લોકોને ધરતીકંપમાં ગુમાવેલા પોતાના સ્વજનો દેખાય છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: કચ્છના લોકો માટે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાકનો દિવસ કદાપિ ભૂલી શકાય એમ નથી. આ દિવસે વર્ષ ૨૦૦૧માં સવારે ૮ અને ૪૬ મિનિટે વિનાશક ભૂકંપ આવ્યો હતો જે આજે દુનિયાના ધરતીકંપને લગતા તમામ સંશોધનોમાં 'ભુજ અર્થકવેક' તરીકે ઓળખાય છે. આ મહા ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાના ચોબારી ખાતે નોંધાયું હતું.આ મહાવિનાશક ભૂકંપ ૯૦ સેકન્ડ સુધી ચાલ્યો હતો અને તે જમીનથી માત્ર ૧૭.૪ કિલોમીટર જેટલો ઊંડો હોઈ,તેણે મચાવેલી તબાહીના દ્રશ્યો હજુ આજે પણ લોકોની નજર સમક્ષ તરવરી રહ્યાં છે. તેમાંય હવે ભુજના ભુજિયા ડુંગર પર સ્મૃતિવન બનાવાતા આ કડવી સ્મૃતિઓ ફરી તાજી થવા પામી છે.

સુપર ફાસ્ટ ટ્રેન ધસમસતી આવતી હોય તેવો અવાજ 

૨૫ વર્ષ પહેલાં બરાબર સવારે ૮ અને ૪૬ મિનિટે પૂર્વ દિશાએથી કોઈ સુપર ફાસ્ટ ટ્રેન ધસમસતી આવી રહી હોય તેવો ભયાનક અવાજ શરૂ થતાં લોકો અચંબામાં મુકાયા હતા અને આ ધરતીકંપ છે તેવું હજુ સમજમાં આવે તે પહેલાં ચોતરફ ધૂળના ગોટે ગોટા ઉડવા શરૂ થઇ ચુક્યા હતા.

અંદાજે ૨૦૦૦૦ જેટલા લોકોના મોત

આ વિનાશક ભૂકંપમાં અંદાજે ૨૦૦૦૦ જેટલા લોકોના મોત નીપજ્યાં હતાં,સેંકડો ઘાયલ થયા હતા. પ્રજાસતાક દિવસે પ્રણાલીગત રીતે ફરકાવાતા તિરંગામાં લોકોને હજુ ધરતીકંપમાં ગુમાવેલા પોતાના સ્વજનો દેખાય છે. ધરતીકંપ બાદ કચ્છમાં વ્યાપક વિકાસ થયો છે પણ નવી ફોલ્ટલાઈનો સક્રિય બન્યા બાદ, વધી ગયેલા ભૂકંપના આંચકાઓના  કારણે નવાં-જુના મકાનોમાં પડી રહેલી તિરાડોની અજીબોગરીબ ઘટનાથી લોકોમાં વિકાસ પરત્વે પણ છૂપો ભય ઉભો થવા પામ્યો છે. 

તે દિવસે પણ ભુજમાં હતી કાતિલ ઠંડી

ભૂકંપ આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં બહાર નીકળનારા લોકોને રસ્તામાં ઠેર-ઠેર હાથગાડીમાં મૃતકો કે ઘાયલોને લઇ જતા સ્વજનો જોવા મળતા હતા. એ દિવસે ભુજનું ન્યુનતમ તાપમાન ૭ ડિગ્રી સે. હતું અને લોકો પોત-પોતાના ખંડેર બની ચૂકેલા મકાનોની બહાર તંબુઓમાં રહેવા મજબુર બન્યા હતા. 

 બિલ ક્લિન્ટને પણ મુલાકાત લીધી હતી

દિવસો સુધી કાટમાળના ઢગલે ઢગલા, બેચેની અને અજંપાની લાગણી ઉભી કરી જતા હતા. આ ધરતીકંપમાં ભુજની રાજાશાહી જમાનાની જ્યુબિલી હોસ્પિટલનું હેરિટેજ મકાન પણ ધરાશાયી થયું હતું અને આ સ્થળની તત્કાલીન અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટને પણ મુલાકાત લીધી હતી. દુઃખની વાત એ છે કે જ્યુબિલી હોસ્પિટલનું મકાન છેલ્લા અઢી દાયકાથી એ જ સ્થિતિમાં ઉભું છે.

અંજારમાં જોવા મળી હતી તબાહી

આ ગોઝારા ભૂકંપની સૌથી કરુણ ઘટના કચ્છના અંજાર ખાતે બનવા પામી હતી જેમાં અંજારના ખત્રી ચોક ખાતે બનેલી દુઃખદ ઘટનામાં સાંકડી ગલીના બન્ને ભાગમાં આવેલી ઇમારતો ધ્વંસ થઇ જતાં તેમાં ૧૮૪ જેટલાં બાળકો અને ૧૮ શિક્ષકો અને બે પોલીસકર્મીઓના મોત થયાં હતાં. માત્ર અંજારમાં ૨૦૦૦ જેટલા લોકોના મોત નીપજ્યાં હતાં અને ૬૦૦૦ પરિવારો ઘર વિહોણાં બન્યાં હતાં.

સમયની ગતિ આગળ ધપી રહી છે અને આજે એ ગોઝારી ઘટનાને ૨૫ વર્ષના વ્હાણા પસાર થઇ ચુક્યા છે પરંતુ આ કડવી સ્મૃતિઓ લોકોના મનમાંથી હજુ નીકળતી નથી.  ભુજની સાંકડી શેરીમાં રહેતા નયનાબેન દર્શક્ભાઇ અંજારિયાએ જણાવ્યું હતું કે, ધરતીકંપ આવ્યો ત્યારે ડાંડા બજારમાં ખત્રી ચોકમાં આવેલું તેમનું વર્ષો જૂનું મકાન ધ્રુજવા લાગ્યું હતું. આથી તેમના મમ્મી-પપ્પા મકાનની બહાર નીકળ્યા ત્યારે સામેના મકાનની છત પડતાં માતા જયાબેન લાલજીભાઈ ખત્રીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને સદભાગ્યે પિતા લાલજીભાઈ બચી ગયા હતા. એ ગોઝારા ભૂકંપે કચ્છમાં પેરાપ્લેજીક દર્દીઓની સંખ્યા વધારી દીધી છે અને આવી વ્યક્તિઓ દરેક પળે ધરતીકંપની એ ગોઝારી ઘટનાને યાદ કરી રહ્યા છે.