અમદાવાદ: ગુજરાતમાં શિયાળાનો મિજાજ વર્તાય રહ્યો છે. રાજ્યભરમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી મિશ્ર ઋતુનો અનુભવ કર્યા બાદ હવે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેશે, પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં લોકોને ફરીથી કાતિલ ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 23 અને 24 જાન્યુઆરીની આસપાસ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. ઉત્તર-પૂર્વીય દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. જોકે, આ બે દિવસના ઠંડા સ્પેલ બાદ ફરીથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ક્રમશઃ વધારો નોંધાશે, જે ઠંડીમાંથી આંશિક રાહત આપશે. અમદાવાદમાં હાલ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
રાજ્યમાં અત્યારે નલિયા સૌથી ઠંડું શહેર સાબિત થયું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અન્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 29.5 ડિગ્રીની આસપાસ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત 34.2 ડિગ્રી સાથે સૌથી ગરમ નોંધાયું છે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં તાપમાન 31 ડિગ્રીને પાર પહોંચ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ પ્રમાણમાં હુંફાળું જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે 21 થી 27 જાન્યુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. હાલમાં કોઈ પણ પ્રકારના વરસાદ કે માવઠાની શક્યતા નથી. પવનની ગતિ અને દિશામાં થતા ફેરફારોને લીધે સવારના સમયે ઠંડી અને બપોરના સમયે હળવો તડકો અનુભવાશે. આ બદલાતી ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી બની રહેશે.