હરારેઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની જેમ એના ક્રિકેટરો પણ મેલી રમત રમવા માટે જાણીતા છે અને એનું તાજું ઉદાહરણ તાજેતરમાં અહીં અન્ડર-19 વર્લ્ડ કપમાં પાકિસ્તાન અન્ડર-19 (Under 19) ટીમની ઝિમ્બાબ્વે અન્ડર-19 ટીમ સામે મળી ગયું જેમાં પાકિસ્તાને સુપર-સિક્સ (Super Six) રાઉન્ડથી સ્કૉટલૅન્ડને દૂર રાખવા ઝિમ્બાબ્વેની તરફેણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ` ખાસ મિત્ર-દેશ' બાંગ્લાદેશની આગામી મેન્સ ટી-20 વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને બાંગ્લાદેશના સ્થાને સ્કૉટલૅન્ડને રમવા મળવાનું છે. બની શકે કે પાકિસ્તાને સ્કૉટલૅન્ડને પણ દુશ્મન-દેશ માની લીધો અને અન્ડર-19 વર્લ્ડ કપમાં એની ટીમ સામે જાણી જોઈને અવ્યવહારું અભિગમ અપનાવ્યો.
વાત એવી છે કે પાકિસ્તાન સુપર-સિક્સ રાઉન્ડમાં અગાઉ જ ક્વૉલિફાય થઈ ગયું હતું. ગુરુવારે મેન્સ જુનિયર વન-ડે વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે 128 રનમાં આઉટ થઈ જતાં પાકિસ્તાને 50 ઓવરમાં જીતવા 129 રન કરવાના હતા. પાકિસ્તાનના બૅટ્સમેનોએ 14મી ઓવર બાદ રનમશીન ધીમું પાડી દીધું હતું. ત્યારે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટના ભોગે 84 રન હતો. જો પાકિસ્તાને 129 રનનો લક્ષ્યાંક 25.2 ઓવરમાં મેળવી લીધો હોત (68 બૉલમાં 45 રન બનાવી લીધા હોત) તો ઝિમ્બાબ્વે નહીં, બલકે સ્કૉટલૅન્ડને સુપર-સિક્સમાં જવા મળ્યું હોત,
પરંતુ પાકિસ્તાની બૅટ્સમેનો ધીમું રમ્યા અને ટાર્ગેટ 26.2 ઓવરમાં મેળવ્યો હતો. પાકિસ્તાની ઓપનર સમીર મિન્હાસ અને અહમદ હુસેન ધીમું રમ્યા હતા અને ઘણી ઓવર સુધી એકેય ચોગ્ગો નહોતો ફટકાર્યો. પરિણામ એ આવ્યું કે ઝિમ્બાબ્વેને ક્વૉલિફાય થવા મળ્યું અને સ્કૉટલૅન્ડ સ્પર્ધાની બહાર થઈ ગયું. પાકિસ્તાને અગાઉ સ્કૉટલૅન્ડને છ વિકેટે હરાવ્યું અને હવે ઝિમ્બાબ્વેને ચડિયાતા માર્જિનથી (આઠ વિકેટે) પરાજિત કર્યું એટલે પોતે સારા રનરેટથી સુપર-સિક્સમાં પહોંચ્યું.
પાકિસ્તાને જાણી જોઈને લક્ષ્યાંક ચેઝ કરવા માટેની ગતિ ધીમી કરી નાખી હોવાનું આઇસીસીની પૅનલને જણાશે તો પાકિસ્તાનને પેનલ્ટી થઈ શકે. જોકે કોઈ ટીમ જાણી જોઈને ધીમું રમી હોવાનું પુરવાર કરવું ખૂબ મુશ્કેલ છે.