દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી 12 સ્ટાર ટર્ટલ સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે. વિગતે વાત કરીએ તો અર્જુન વિજયભાઇ ભગાણી નામનો યુવક ગેરકાયદે રીતે સ્ટાર ટર્ટલ સૂર્ય કાચબાનું વેચાણ કરતો તેવી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
રાતોરાત અમીર બનવા માંગતો હતો
પોલીસના જણાવ્યાં પ્રમાણે આરોપી રાતોરાત અમીર બનવા માંગતો હતો. આ માટે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે વન્ય પ્રાણીઓની ગેરકાયદેસર હેરાફેરી કરતો હોવાની દ્વારકા એસઓજી પોલીસને બાતમી મળી હતી, જેથી એસઓજીએ કાર્યવાહી કરી અને આરોપીને ઝડપી પાડ્યો છે.
આ સાથે આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ – 1972 હેઠળ સંરક્ષિત “સ્ટાર ટર્ટલ' (સૂર્ય કાચબા) ગેરકાયદે રીતે રાખવા પર ગુનો પણ નોંધવમાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આરોપી તાંત્રિક વિધિના નામે એક સુર્ય કાચબો પાંચથી 7 લાખમાં વેચાણ કરાતો હતો. એસઓજી પોલીસ દ્વારા તમામ કાચબાઓ સાથે યુવકને પણ ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો છે.
સ્ટાર ટર્ટલની વે-વેચ કેમ ગુનો છે?
સ્ટાર ટર્ટલ જેને સૂર્ય કાચબો કહેવામાં આવે છે તેનો ભારત સરકારે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ - 1972 હેઠળ શેડ્યૂલ-આઈમાં સમાવેષ કર્યો છે. જેથી સ્ટાર ટર્ટલ એટલે સૂર્ય કાચબો એ સંરક્ષિત પ્રજાતિ છે, જેથી આ કાચબાને પકડવો, રાખવો, વેચવો કે પછી ખરીદવો એ ગુનો છે, તેના માટે સજા અને દંડની પણ જોગવાઈ છે.