Thu Jan 29 2026

Logo

White Logo

ડાંગના સાપુતારા ઘાટમાં ભારતીય સેનાના કાફલાને નડ્યો અકસ્માત, તોપ લઈને જતી ટ્રક પલટી જતા 9 જવાનો ઘાયલ...

21 hours ago
Author: Tejas
Video

ડાંગ: ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારાના ડુંગરાળ અને વળાંકવાળા માર્ગો પર બુધવારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહેલો ભારતીય સેનાનો કાફલો જ્યારે સાપુતારાના કપરા વળાંકોમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક ટ્રક પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. પહાડી રસ્તાઓ પર સેનાના વાહનને નડેલા આ અકસ્માતે થોડા સમય માટે દોડધામ મચાવી દીધી હતી.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ દુર્ઘટના સાપુતારા-શામગહાન ઘાટના જોખમી વળાંક પર બની હતી. સેનાના આ ટ્રકમાં સંરક્ષણ સામગ્રી તરીકે તોપ લાદવામાં આવી રહ્યા હતા. ઘાટ ઉતરતી વખતે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ભારેખમ ટ્રક રસ્તા પર જ પલટી ખાઈ ગયુ હતુ. અકસ્માત સમયે ટ્રકમાં કુલ 13 જવાનો સવાર હતા, જેમાંથી 9 જવાનોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સદનસીબે, આટલી મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતના સમાચાર છે.

અકસ્માત થતા જ આસપાસના લોકો અને ડાંગ જિલ્લા પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પલટી ગયેલા ટ્રકમાંથી તમામ જવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત 9 જવાનોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સેનાના ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી, જે બાદ સેનાની અન્ય ટુકડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને જવાનોના સ્વાસ્થ્ય અંગે વિગતો મેળવી હતી.

આ અકસ્માતગ્રસ્ત વાહનમાં સેનાની તોપ અને અન્ય અત્યંત મહત્વના સંરક્ષણ સાધનો હોવાથી તેની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ઘટનાસ્થળની આસપાસ પોલીસ અને સેનાના જવાનોનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. હાલમાં ક્રેનની મદદથી પલટી ગયેલા ટ્રકને હટાવવા અને રસ્તો ક્લિયર કરવાની કામગીરી ચાલી રહી છે. સેનાના સાધનો હોવાથી આ વિસ્તારમાં લોકોની અવરજવર પર પણ મર્યાદિત નિયંત્રણો લાદવામાં આવ્યા છે.