(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમ એટલે કે, સાબરમતી આશ્રમને લઈને એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે ગુજરાત સરકારના દ્વારા એક મહત્વના સરકારી ઠરાવ દ્વારા 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ' (MGSAMT)ના ગવર્નિંગ કાઉન્સિલમાં ઉચ્ચ સ્તરીય નિમણૂંકો કરવામાં આવી છે. જેમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને પણ મહત્વની જવાબદારી સોપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને સોંપાઈ મહત્વની જવાબદારી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સરકારના નવા આદેશ પ્રમાણે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ગવર્નિંગ કાઉન્સિલમાં વાઇસ-ચેરમેન (ઉપાધ્યક્ષ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નિવૃત્ત IAS અધિકારી અને હાલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) આઈ.કે. પટેલને ટ્રસ્ટના ગવર્નિંગ કાઉન્સિલમાં મેમ્બર સેક્રેટરી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને ટ્રસ્ટની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે સરકારનો આ નિર્ણય ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
Gujarat Deputy CM Harsh Sanghavi takes charge as Vice-Chairman of Mahatma Gandhi Sabarmati Ashram Memorial Trust. pic.twitter.com/jIqBuUQhRO
— Press Trust of India (@PTI_News) January 28, 2026
સાબરમતી આશ્રમ અંગે વાત કરવામાં આવે તો, સપ્ટેમ્બર 2021ના મૂળ ઠરાવમાં સુધારો કરીને આ નવી નિમણૂંકો કરવામાં આવી છે. આ ઓર્ડર રાજ્યપાલના આદેશથી સેક્શન ઓફિસર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ ફેરફારની જાણ રાજ્યપાલ સચિવાલય, મુખ્યપ્રધાન કાર્યાલય અને સંબંધિત વિભાગોને કરી દેવામાં આવી છે.