અમદાવાદ : અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળા પર નિયંત્રણ લાવવા માટે કોર્પોરેશન તંત્ર એકશન મોડમાં આવ્યું છે. તેમજ શહેરમાં પીવાના પાણીનું વિતરણ કરતાં વોટર જગ સપ્લાયર્સ માટે ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ ફરજીયાત કરવામાં આવ્યા છે. આ કામગીરીનો મુખ્ય હેતુ નાગરિકોને ક્લોરિનયુક્ત પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
15 જેટલા સપ્લાયર્સે ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ ન કરતાં તેમને સીલ કરી દેવાયા
આ અંતર્ગત એ.એમ.સી.ના વિવિધ ઝોનમાં વોટર જગ સપ્લાયર દ્વારા ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેમાં સાત ઝોન મળીને કુલ 194 જેટલા વોટર સપ્લાયર્સનાં એકમો છે. જેમાંથી 179 જેટલા એકમો દ્વારા ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ કરવામાં કરવામાં આવ્યાં છે. જ્યારે 15 જેટલા સપ્લાયર્સે ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ ન કરતાં તેમને સીલ કરી દેવાયા છે.
મધ્ય અને પૂર્વ ઝોનમાં પણ કાર્યવાહી
આ સાત ઝોનમાંથી મધ્ય ઝોનમાં કુલ 12 સપ્લાયર્સમાંથી 11એ ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ કર્યુ છે, જ્યારે 1 સપ્લાયરને સીલ કરાયા છે. તો પૂર્વ ઝોનમાં 32 અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 22 સપ્લાયર્સે ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ કર્યાં છે. તેમજ ઉત્તર ઝોનમાં કુલ 25 માંથી 6ને સીલ કરી બંધ કરાયા અને 19 એ આ ડોઝર ઇન્સ્ટોલ કરીને કામગીરી ચાલુ રાખી છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો જેવાં કે ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ, કોલેરા વગેરેની અટકાયત તથા નિયંત્રણ માટે મનપા દ્વારા સતત અને વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે.