(અમારા પ્રતિનિધિ તરફથી)
વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામમાંથી પાંચ દિવસમાં બે દીપડાને ઝડપી પાડવામાં આવ્યાં છે. રોહિણા ગામના દિપમાળ ફળિયામાં દીપડો લટાર મારતો હોવાની ફરિયાદ બાદ વન વિભાગે પાંજરૂ ગોઠવી પાંચ દિવસ અગાઉ પકડી પાડયા બાદ આજે ફળિયામાં આવેલી વાડીમાં બીજો દીપડો પાંજરે પુરાયો હતો. આ દીપડો પાંજરે પુરાયો હોવાના કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
અઠવાડીયા અગાઉ વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું હતું
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પારડી નજીકના રોહિણા ગામે છેલ્લા લાંબા સમયથી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ફરિયાદ બાદ વન વિભાગ દ્વારા દીપમાળ ફળિયામાં અઠવાડીયા અગાઉ પાંજરૂ ગોઠવ્યું હતું. પાંચ દિવસ અગાઉ ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે હજુ બીજો દીપડો દિપમાળ ફળિયામાં જ ફરતો હોવાની વાતને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામના સરપંચ રવિન્દ્ર પટેલે પારડી વન વિભાગને જાણ કરાયા બાદ અજીતભાઈ દેવાભાઈ પટેલની વાડીમાં પાંજરૂ ગોઠવ્યું હતું. બુધવારે ગોઠવેલા પાંજરામાં કદાવર દીપડો પુરાયો હતો.
દીપડાને મેડિકલ ચેકઅપ માટે નર્સરીમાં ખસેડાયો
દીપડો પાંજરો પુરાયો હોવાની વાત ફેલાતા સરપંચ સહિત લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. વન વિભાગના અધિકારી અને ટીમ ઘટના સ્થળે પહોંચી લગભગ દોઢ વર્ષના દીપડાનો કબજો લઈ ખડકી સ્થિત નર્સરીમાં ખસેડાયા બાદ પશુ ચિકિત્સક દ્વારા મેડિકલ ચેકઅપ કરાયું હતું. ઝબ્બે કરાયેલા દીપડાને જંગલ વિસ્તારમાં છોડવાની વન વિભાગે કવાયત આદરી હતી.