થાણે: 17 વર્ષની સગીરા પર વારંવાર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવવા બદલ થાણેની કોર્ટે 23 વર્ષના યુવકને 20 વર્ષની સખત કેદ ફટકારી હતી.સ્પેશિયલ પોક્સો કોર્ટનાં જજ રૂબી યુ. માલવણકરે ગુરુવારે આરોપી ગૌરાંગ ગિરીશ કંથારિયાને ભારતીય દંડસંહિતાની કલમ 376 (2) (એન) (મહિલા પર વારંવાર બળાત્કાર ગુજારવો) તેમ જ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ દોષી ઠેરવ્યો હતો.
તપાસકર્તા પક્ષ અનુસાર ભાયંદર પૂર્વમાં રહેતા કંથારિયાએ 2021માં પીડિતા સાથે મિત્રતા કરી હતી અને બાદમાં લગ્નની લાલચે તેના પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. કંથારિયા વિરુદ્ધ 30 જાન્યુઆરી, 2022ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.દરમિયાન વારંવાર બળાત્કારને કારણે પીડિતા ગર્ભવતી બની હતી અને 15 ઑગસ્ટ, 2023ના રોજ તેણે બાળકને જન્મ આપ્યો હતો.
કોર્ટે બચાવ પક્ષની એ દલીલને ફગાવી દીધી હતી કે આ સંબંધ પીડિતાની સંમતિથી થયો હતો. તપાસકર્તા પક્ષે આરોપ સાબિત કરવા ત્રણ સાક્ષીદારને હાજર કર્યા હતા. આરોપીએ પોતાની વય અને કૌટુંબિક જવાબદારીઓનો ઉલ્લેખ કરીને ઉદારતા દાખવવાની વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે એક બાળક સામેના ગુનાની ગંભીરતા નોંધી હતી.કોર્ટે આરોપીને દોષી ઠેરવીને 20 વર્ષની સખત કેદ તેમ જ પીડિતાને વળતર તરીકે ચૂકવવા માટે બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. (પીટીઆઇ)