અમદાવાદઃ ગુજરાતના ગાંધીનગર ખાતે નિર્માણ પામેલી ગિફ્ટ સિટીમાં જેપી મોર્ગન ચેસ એન્ડ કૉ. એક શાખા ખોલશે. દેશના ઓછા ટેક્સવાળા ફાયનાન્સિયલ હબ ગણાતા ગિફ્ટ સિટિમાં વધુ એક ઈન્ટરનેશનલ બેંકની શાખા ખૂલશે.
જેપી મોર્ગનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવી શાખા ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ અને અન્ય ક્ષેત્રોમાં વેપારને સક્ષમ કરશે. લંડનમા મુખ્ય મથક ધરાવતી બેંકને આ માટે જરૂરી એવી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી તરફથી મંજૂરી મળી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગિફ્ટ સિટીમાં એચએસબીસી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને મિત્સુબિશી યુએફજે ફાઇનાન્શિયલ ગ્રુપ જેવી બેંકોએ પહેલાથી જ હબમાં નોંધપાત્ર કામગીરી શરૂ કરી દીધી છે, જેમાં ઘણા એશિયન ગ્રુપ પણ સામેલ છે. લગભગ 190 ફંડ મેનેજમેન્ટ ફર્મ્સ, વીમા કંપનીઓ, યુનિવર્સિટી અને ટેકનોલોજી કંપની પણ અહીં છે.
જેપી મોર્ગન અગાઉ 2024 માં ગિફ્ટ સિટીમાં ડેરિવેટિવ્ઝ-કેન્દ્રિત એકમ સ્થાપ્યું હતું, જ્યારે તેની ભારતીય શાખાએ 2022 માં કેન્દ્રમાં એક શાખા ખોલી હતી. નવી સુવિધા બેંકને વિદેશી ગ્રાહકો માટે નાણાકીય સાધનોનો વેપાર કરવાની મંજૂરી આપશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.