મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના પ્રમુખ રાજ ઠાકરે આવતીકાલે સેનાના વડા બાળ ઠાકરેની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે બંને પક્ષોના કાર્યકરોને સાથે મળીને સંબોધન કરશે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી સંયુક્ત રીતે લડ્યા બાદ બંને પિતરાઈ ભાઈઓ પહેલી વાર સાથે આવશે. આ કાર્યક્રમ મધ્ય મુંબઈના સાયન સ્થિત ષણ્મુખાનંદ હોલમાં યોજાશે, એમ બંને પક્ષોના કાર્યકરોએ પુષ્ટિ આપી છે.
પંદર જાન્યુઆરીએ યોજાયેલી બીએમસી ચૂંટણીમાં સેના (યુબીટી) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ગઠબંધને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ ભાજપ-એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના ગઠબંધનને દેશની સૌથી ધનિક નાગરિક સંસ્થા પર નિયંત્રણ મેળવતા રોકી શક્યા નહીં.
શિવસેના (યુબીટી) ૬૫ બેઠક જીતી હતી, જ્યારે મનસે ૬ બેઠક જીતી હતી. ગુરુવારે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મનસેના કોર્પોરેટરએ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને ટેકો આપતાં તેમની એકતામાં ભંગાણ પડતું હોવાનું લાગતું હતું. શુક્રવારે દાદરમાં બાળ ઠાકરેના સ્મારક પર બંને પક્ષોના કાર્યકરો તેમજ શિંદેની આગેવાની હેઠળની શિવસેના પણ ઉમટી પડે તેવી ધારણા છે.
(પીટીઆઈ)