બાંગ્લાદેશની ટીમ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર થઇ ગઈ છે. બાંગ્લાદેશની ટીમના સમર્થનમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ના વડા મોહસીન નક્વીએ T20 વર્લ્ડ કપના બહિષ્કારની ચીમકી આપી હતી. પરંતુ ગઈ કાલે PCBએ T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમની જાહેરાત કરતા આ ચર્ચાનો અંત આવ્યો હતો. પરંતુ હવે એવા અહેવાલો છે કે પાકિસ્તાન હજુ પણ પોતાની ટીમ પાછી ખેંચી શકે છે. પાકિસ્તાન સરકાર PCB અધિકારીઓને ટુર્નામેન્ટમાંથી ખસી જવા કહી શકે છે.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાનની તમામ મેચ શ્રીલંકામાં રમાવાની છે. નોંધનીય છે કે ગઈ કાલે પાકિસ્તાનની ટીમની જાહેરાત સમયે PCBના વડા મોહસીન નકવીએ સ્પષ્ટતા કરી બહિષ્કારની શક્યતાનો અંત આવ્યો નથી.
અંતિમ નિર્ણય વડા પ્રધાનના હાથમાં:
સ્થનિક મડીયાના અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકાર PCBને વર્લ્ડ કપ માટે ટીમ મોકલવાની મનાઈ કરી શકે છે. વરિષ્ઠ PCB અધિકારીના જણાવ્યા મુજબ, "અંતિમ નિર્ણય વડા પ્રધાન જ લેશે. આ માત્ર ક્રિકેટની વાત નથી; સિદ્ધાંતોની વાત છે. બાંગ્લાદેશને તેના અધિકારથી વંચિત રાખવામાં આવ્યું છે.”
બાંગ્લાદેશને બદલે સ્કોટલૅન્ડને સ્થાન:
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ભારતમાં બાંગ્લાદેશના ખેલાડીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ICCને બાંગ્લાદેશની તમામ મેચ ભારતની બહાર ખસેડવા અપીલ કરી હતી. વાટાઘાટો છતાં ICCએ BCBની માંગણીઓ સ્વિકારવાની મનાઈ કરી હતી. શનિવારે ICCએ બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી હતી, બાંગ્લાદેશને બદલે સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સ્થાન મળ્યું છે
ICC ના ફુલ ટાઈમ મેમ્બર્સમાંથી માત્ર એક પાકિસ્તાને જ બાંગ્લાદેશને સમર્થન આપ્યું હતું. પાકિસ્તાને દલીલ કરી હતી કે ICC બાંગ્લાદેશ સાથે"અન્યાય" કરી રહી છે.