નાંદેડ (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં માન્ય પ્રમાણપત્ર રજૂ કર્યા વિના દિવ્યાંગ આરક્ષણના લાભ મેળવવા બદલ એક મુખ્ય શિક્ષક અને અન્ય છ શાળા શિક્ષકો સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
પ્રાથમિક શિક્ષણ વિભાગે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દિવ્યાંગ હોવા અંગે બનાવટી દસ્તાવેજ નો ઉપયોગ કરતા શિક્ષકોને ઓળખવા માટે ચકાસણી અભિયાન શરૂ કર્યું હતું.
સાત શિક્ષકના દિવ્યાંગ સર્ટિફિકેટ જિલ્લા સિવિલ સર્જન ઓફિસના રજિસ્ટરમાં નોંધાયેલા ન હોવાનું જાણવા મળ્યું હોવાનું એક અધિકારીએ જણાવી ઉમેર્યું હતું કે તારણો એ પણ દર્શાવે છે કે આ કેસોમાં દિવ્યાંગતાની ટકાવારી 40 ટકાથી ઓછી હોવાથી લાભ મેળવવા તેઓ અયોગ્ય બની ગયા હતા.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા પરિષદ શાળાના મુખ્ય શિક્ષકને કોઈ સંબંધિત પ્રમાણપત્ર રજૂ ન કર્યું હોવા છતાં દિવ્યાંગતાની છૂટછાટ આપવામાં આવી હોવાનો આરોપ છે. અન્ય છ શિક્ષકોમાંથી અમુકે સંબંધિત સર્ટિફિકેટ રજૂ કર્યા ન હતા, જ્યારે અન્ય લોકોએ એવા દસ્તાવેજો રજૂ કર્યા હતા જે જિલ્લા સિવિલ સર્જન દ્વારા જારી કરવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું.
(પીટીઆઈ)