મુંબઈ: પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. ગઈકાલે જ થિએટર્સમાં 'બોર્ડર 2' ફિલ્મ રિલીઝ થઈ છે. જેને લઈને સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે. ત્યારે હવે દેશભક્તિના માહોલમાં બમણો વધારો થવા જઈ રહ્યો છે. કારણ કે સલામાન ખાને આજે તેની આગામી ફિલ્મ "બેટલ ઓફ ગલવાન"નું પ્રથમ ગીત 'માતૃભૂમિ' લોન્ચ કર્યું છે.
દેશભક્તિથી ભરપૂર છે 'માતૃભૂમિ' ગીત
આ ગીતને અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ અને માસ્ટર મણિ ધરમકોટ દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે. ગીતનું સંગીત હિમેશ રેશમિયાએ આપ્યું છે, જ્યારે તેના હૃદયસ્પર્શી શબ્દો સમીર અંજાન દ્વારા લખવામાં આવ્યા છે. ગીતમાં સલમાન ખાન એક આર્મી ઓફિસરના રોલમાં છે. ગીતમાં તેની અને ચિત્રાંગદા સિંહ વચ્ચેની સુંદર કેમેસ્ટ્રી જોવા મળે છે. આ ગીત સરહદ પરના તીવ્ર યુદ્ધના દ્રશ્યો અને પરિવાર સાથેની શાંતિપૂર્ણ ક્ષણોનું અદભૂત મિશ્રણ છે.
ગીત રિલીઝ થતાની સાથે જ સલમાનના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને "બ્લોકબસ્ટર" ગણાવી રહ્યા છે. ખાસ કરીને ભારત-ચીન સરહદની વાર્તા હોવાથી ચાહકો સલમાન ખાનનો આભાર માની રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, "ભાઈ વાપસ આ ગયે હે!" બીજા યુઝરે લખ્યું કે, "અરિજીત, શ્રેયા+ સલમાન ભાઈ= બ્લોકબસ્ટર!" ત્રીજા યુઝરે લખ્યું કે, "ભારત-પાકિસ્તાનના યુદ્ધ પર ઘણી ફિલ્મો બની છે, પરંતુ પહેલીવાર આટલા મોટો સ્ટાર ભારત અને ચીનના યુદ્ધ પર ફિલ્મ લઈને આવી રહ્યો છે. થેંક યૂ ટાઇગર."
ઉલ્લેખનીય છે કે, "બેટલ ઓફ ગલવાન" વર્ષ 2020માં ગલવાન ખીણ પર થયેલા ભારત-ચીન સંઘર્ષની સત્ય ઘટના પર આધારિત છે. આ સૈન્ય સંઘર્ષમાં 200 ભારતીય જવાનોએ 1,200 ચીની સૈનિકોનો બહાદુરીથી સામનો કર્યો હતો.
સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહને ફિલ્માવતી આ ફિલ્મ 17 એપ્રિલ, 2026ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.