અમદાવાદઃ રાજ્યમાં ભણશે ગુજરાતની ગુલબાંગો વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. ગુજરાતમાં 29 સરકારી પોલિટેકનિકમાં આચાર્ય જ નથી. રાજ્યભરની સરકારી ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં આચાર્યની જગ્યાઓ ખાલી પડી છે. આગામી ત્રણ દિવસ પછી માત્ર એક ડિપ્લોમા કોલેજમાં કાયમી આચાર્ય રહેવાની શક્યતા છે, જ્યારે બાકીની તમામ સંસ્થાઓ ઇન-ચાર્જ (કાર્યકારી) આચાર્યો દ્વારા ચલાવવામાં આવશે.
એક જ કોલેજમાં કાયમી આચાર્ય બચશે
AICTE ના નિયમો મુજબ નવી કોલેજોની મંજૂરી માટે આચાર્ય સહિત પૂરતો સ્ટાફ હોવો ફરજિયાત છે. જોકે, પૂર્ણકાલીન આચાર્યોની ગેરહાજરી અને સ્ટાફની અછત હોવા છતાં સરકારી સંસ્થાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્યની 31 સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો (પોલિટેકનિક) માંથી હાલમાં માત્ર બે જ કોલેજોમાં પૂર્ણકાલીન આચાર્ય છે. જેમાંથી એક ત્રણ દિવસમાં નિવૃત્ત થવાના છે, જેના પરિણામે માત્ર એક જ કોલેજમાં કાયમી આચાર્ય બચશે.
સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોની શું છે સ્થિતિ
સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોની વાત કરીએ તો, 16 માંથી 8 કોલેજોમાં કાયમી આચાર્ય છે, જ્યારે બાકીની 8 આચાર્ય વગર કાર્યરત છે. તેમાં પણ એક આચાર્યએ સ્વૈચ્છિક નિવૃત્તિ માંગી હોવાથી, આગામી ત્રણ દિવસમાં આ સંખ્યા ઘટીને સાત થઈ જવાની ધારણા છે.
પ્રમોશનની પ્રક્રિયા સ્થગિત
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં પૂર્ણકાલીન આચાર્યની જગ્યા માટે પ્રમોશનની પ્રક્રિયા અગાઉ શરૂ કરવામાં આવી હતી, પરંતુ અકળ કારણોસર તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. આ વિલંબને કારણે કોલેજો કાયમી નેતૃત્વ વગરની રહી ગઈ છે, જેની અસર શૈક્ષણિક વહીવટ અને લાંબા ગાળાના આયોજન પર પડી રહી છે. આ પરિસ્થિતિએ રાજ્યની ટેકનિકલ શિક્ષણ પ્રણાલીમાં શાસન અને નિયમનકારી ધોરણોના પાલન અંગે ચિંતા જન્માવી છે.