ગીર સોમનાથ: ઉના-ભાવનગર રોડ પર આવેલા ગાંગડા ગામમાં એક મકાનની ઓસરીમાં સુતેલા પિતા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. પિતા પર હુમલો થતો જોઈ પુત્ર ત્યાં દોડી આવ્યો હતો. જેથી દીપડાએ તેના પર પણ હુમલો કર્યો હતો એટલે પિતાએ દાતરડાંથી દીપડા પર પલટવાર કર્યો અને તેને ત્યાં જ મારી નાખ્યો હતો. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી પિતા-પુત્ર બંનેને સારવાર માટે ઉના ખસેડ્યા હતા.
ગાંગડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય બાબુભાઈ નારણભાઈ વાજા ગત રાત્રે પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા ત્યારે અંધારાનો લાભ લઈ દીપડો આવ્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો. પિતાની ચીસો સાંભળીને 27 વર્ષીય પુત્ર શાર્દુલ દોડી આવ્યો હતો. જેથી દીપડાએ બાબુભાઈને છોડીને શાર્દુલ પર હુમલો કર્યો હતો.
પુત્રને દીપડાના જડબામાં જોઈને પિતાએ જીવની પરવા કર્યા વગર વળતો પ્રહાર કરવાનું નક્કી કર્યું. તેમણે ઘર પાસે પડેલા ભાલા અને દાતરડા જેવા હથિયારો વડે દીપડા પર જોરદાર પ્રહાર કર્યા હતા. જેમાં દીપડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
હુમલામાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આઘેડ પિતા બાબુભાઈને ગંભીર ઇજા પહોંચતાં શરીરમાં અલગ અલગ જગ્યાએ 50થી વધુ ટાંકા લેવામાં આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં જ જસાધાર આર.એફ.ઓ. કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વન વિભાગે દીપડાનો મૃતદેહ અને હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કર્યા હતા. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની તપાસ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો.