અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતિ અને વાહનોની સંખ્યાના પગલે ટ્રાફિકજામની સાથે પાર્કિંગની સમસ્યાના ઉકેલનાં નામે મ્યુનિસિપલ દ્વારોડો રૂપિયા ખર્ચીને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાયા છે. તે પૈકી આનંદનગર રોડ પર આવેલા પાર્કિંગને હવે વેચવા કાઢવાની દરખાસ્તથી વિવાદ સર્જાયો છે. આ પાર્કિંગ બનાવવા 350 કરોડનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે.
હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં ડેવલપમેન્ટના કામ ચાલી રહ્યા હોવાથી પાર્કિંગની સમસ્યા સર્જાય છે અને લોકો રોડ કે ફૂટપાથ ઉપર વાહન પાર્ક કરે તો તેમને દંડ ફટકારવામાં આવે છે. આ સમસ્યા ઉકેલવા માટે મ્યુનિ. દ્વારા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ પ્રકારનાં મલ્ટીલેવલ પાર્કિંગનો ખર્ચ વધારવા માટે તેમાં ઓફિસો અને દુકાનો બનાવવામાં આવી છે, જેનો બચાવ કરતાં મ્યુનિ. સત્તાધીશો એવુ કહેતાં હતા કે, ઓફિસો અને દુકાનો વેચીને મલ્ટીલેવલ પાર્કિંગ પાછળ થયેલો ખર્ચ સરભર કરવામાં આવશે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, મોટાભાગનાં મલ્ટીલેવલ પાર્કિંગમાં બનાવાયેલી દુકાનો અને ઓફિસો વેચાયા વગર પડી રહેતાં નાછુટકે ત્યાં સરકારી ઓફિસો, મ્યુનિ.ની ઓફિસો શરૂ કરવાની ફરજ પડી છે.
પ્રહલાદનગર બગીચા સામે મલ્ટીલેવલ પાર્કિંગ આનંદનગર રોડ ઉપર મોકાની જગ્યાએ બનાવાયું છે. જેનાં સિવિલ વર્ક પાછળ 76 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને જમીનની કિંમત 273 કરોડથી વધુ છે. તે જોતાં પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ પાછળ 350 કરોડનો ધુમાડો થયો છે.આ મલ્ટીલેવલ પાર્કિંગમાં પણ દુકાનો અને ઓફિસો બનાવાઈ હતી. આ ઓફિસો અને દુકાનો વેચવા માટે ચાર વાર હરાજી કરવામાં આવી છતાં કોઇએ તેને ખરીદવામાં રસ દાખવ્યો નહોતો.
તેથી મ્યુનિ. સત્તાધીશોએ અચાનક જ પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગની દુકાનો તથા ઓફિસો વેચવાને બદલે હવે આખે આખુ મલ્ટીલેવલ પાર્કિંગ જમીન સાથે જ વેચવાનો નિર્ણય લેતાં મ્યુનિ.વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે મ્યુનિ. કોંગ્રેસ પક્ષનેતા શહેઝાદખાન પઠાણે કહ્યું કે, મલ્ટીલેવલ પાર્કિંગમાં ફક્ત પાર્કિંગની જ સુવિધા રાખવાને બદલે જંગી ખર્ચ કરીને ઓફિસો-દુકાનો બનાવી કોન્ટ્રાક્ટરોને ખટાવવામાં આવ્યા અને હવે કોમર્શિયલ હેતુની જમીન સાથેનુ મલ્ટીલેવલ પાર્કિંગ વેચવાની દરખાસ્તથી કૌભાંડની શંકા થઇ રહી છે.