ગાંધીનગરઃ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને અદ્યતન તાલીમ આપી સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં કાર્યરત ૨૮૮ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITIમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૨ લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને વિવિધ ટ્રેડમાં તાલીમ આપવામાં આવી છે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલ તાલીમાર્થીઓ પૈકી અંદાજે ૧૫ હજાર કરતાં વધુ યુવતીઓ સહિત ૧ લાખ કરતાં વધુ યુવાઓ નોકરી-રોજગારી તેમજ વિવિધ સ્વરૂપે સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય પ્રધાન કાંતિલાલ અમૃતિયાના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યની તમામ સરકારી ITIમાં નેશનલ કાઉન્સીલ ફોર વોકેશનલ ટ્રેનીંગ-NCVT પેટર્નના ૭૫ રાષ્ટ્રીય કક્ષાના તેમજ ગુજરાત કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ-GCVT/SCVT પેટર્ન હેઠળના ૨૯ રાજ્યકક્ષાના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ અભ્યાસક્રમોમાં ૧.૨ લાખ કરતાં વધુ બેઠકો પર યુવાઓ તાલીમ લઈ રહ્યા છે.
આજના યુગમાં યુવાઓને વિકસતી ટેક્નોલોજીને અનુરૂપ તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં ઓટોમોબાઈલ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ-IOT, રિન્યુએબલ એનર્જી, સોલાર, મિકેનિકલ, ઇલેક્ટ્રીકલ, આઈ.ટી. જેવા વિવિધ ટ્રેડની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ITIના વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના ૨૯૫ જેટલા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને L & T, CRISP Bhopal, International Automobile Center of Excellence- iACE, Gandhinagar, Indo German Tool Room, Ahmedabad, Tata Indian Institute of Skills (Tata IIS) જેવી નામાંકિત ઇન્ડસ્ટ્રીઝમાં Training of Trainers (ToT) ની તાલીમ આપવામાં આવી છે.
નવીનતમ ઉદ્યોગો માટે સ્કિલ્ડ મેનપાવર સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તેમજ ગુણવત્તાયુક્ત તાલીમાર્થીઓને તાલીમ પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ઉદ્યોગો સાથે ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટ્રેટેજીક MoU કરવામાં આવે છે. જે અંતર્ગત અંદાજીત રૂ. ૧૦ કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથેના આ MoU અંતર્ગત વિવિધ ઉદ્યોગો દ્વારા ITI ખાતે અદ્યતન ટેકનોલોજીયુક્ત મશીનરી સાથેની લેબ વિકસિત કરવામાં આવી છે. જ્યાં તાલીમાર્થીઓને અદ્યતન ટેકનોલોજી સાથે પ્રેક્ટિકલ અને થીયરીની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત તાલીમાર્થીઓને પ્લેસમેન્ટની તથા ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ તેમજ આચાર્યને પણ તાલીમ આપવામાં આવે છે.
વધુમાં રાજ્યની રોજગાર અને તાલીમ કચેરી દ્વારા The United Nations Entity for Gender Equality and the empowerment of women સાથે Up skill young women to access decent employment, apprenticeships or higher education opportunities in STEM fields objective અન્વયે MoU કરવામાં આવ્યા છે. આ ઉપરાંત The United Nations Entity for Gender Equality and the empowerment of women દ્વારા STEM (Science, Technology, Engineering and Mathematics) મોડ્યુલ અંતર્ગત ૭૭ કલાકનો અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે. જે અભ્યાસક્રમ મુજબ અમદાવાદ, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ જીલ્લાની તમામ ITIની મહિલા તાલીમાર્થીનીઓને તાલીમ આપવામાં આવશે.
ગુજરાતની અગ્રણી અને સૌથી મોટી ITI બીલીમોરાને ભારત સરકાર દ્વારા વેસ્ટર્ન ઝોનની Top Performing ITI તરીકે પુરસ્કૃત કરવામાં આવી છે. કૌશલ્ય આધારિત તાલીમ, રોજગારલક્ષી અભ્યાસક્રમો, એપ્રેન્ટિસશીપ અને ઉદ્યોગો સાથેના મજબૂત જોડાણના કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઔદ્યોગિકરણનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા દેશમાં નવા ઉદ્યોગો સ્થાપવામાં આવી રહ્યા છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ માનવબળ મળી રહે તે માટે રાજ્ય સરકારે આ અંગે ધ્યાન કેન્દ્રિત કરીને અનેકવિધ નવી યોજનાઓ શરૂ કરી છે, જેના પરિણામે વ્યવસાયલક્ષી શિક્ષણ અને કૌશલ્ય પ્રાપ્ત કરનાર યુવાનો માટે રોજગારીની તકો વધુ ઉજળી બની રહી છે. જેથી વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ પૂરું પાડી અને વિકસતી ટેકનોલોજી અનુરૂપ તાલીમ આપી યુવાનોને રોજગારી મેળવવામાં સહાય કરવાના ઉદ્દેશ સાથે કારીગર તાલીમ યોજના (CTS) અમલીકૃત કરવામાં આવી છે.