Thu Jan 29 2026

Logo

White Logo

UGCના નવા નિયમ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી, CJI એ કહ્યું- થઈ શકે છે દુરુપયોગ

1 hour ago
Author: MayurKumar Patel
Video

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આઝે યુજીસીના નવા ભેદભાવ વિરોધી નિયમોને પડકારતી જાહેરહિતની અરજી પર સુનાવણી થઈ હતી. અરજીકર્તાએ કહ્યું કે, આ નિયમ સવર્ણો વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરે છે અને તેને લઈ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.  સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા જણાવ્યું કે નવા નિયમો અસ્પષ્ટ છે. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે અને યુજીસીના નવા નિયમો પર રોક લગાવી દીધો છે. નવા આદેશ સુધી 2012ના જ નિયમો લાગુ રહેશે. હવે આ મામલે આગામી સુનાવણી 19 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્ય બાગચીની બેન્ચે આ રિટ અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, આપણે જાતિવિહીન સમાજ તરફ આગળ વધવું જોઈએ. ન્યાયાધીશ સૂર્યકાંતે સવાલ ઉઠાવતા કહ્યું કે, શું આપણે ઉલટી દિશામાં જઈ રહ્યા છીએ? જેમને સુરક્ષાની જરૂર છે, તેમના માટે વ્યવસ્થા હોવી જોઈએ.  યુજીસી (UGC) રેગ્યુલેશન, 2026 ને 23 જાન્યુઆરી, 2026 ના રોજ નોટિફાઈ કરવામાં આવ્યું હતું, જેને લઈને સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ અનેક અરજદારોએ આ નિયમોને મનસ્વી, ભેદભાવપૂર્ણ અને બંધારણની સાથે-સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956નું ઉલ્લંઘન ગણાવીને પડકાર્યા હતા.

 જનરલ કેટેગરીના વિદ્યાર્થીને રેગિંગનો ખતરો', કોર્ટમાં બોલ્યા અરજદારના વકીલ 

અરજદારના વકીલે જણાવ્યું કે, જો હું સામાન્ય શ્રેણીનો વિદ્યાર્થી હોઉં, તો કોઈ સિનિયર મને જોઈને જ જાણી જશે કે હું ફ્રેશર છું. ત્યારબાદ મારું રેગિંગ થશે. જો તે સિનિયર અનુસૂચિત જાતિનો હશે, તો મારે કાર્યવાહીનો સામનો કરવો પડશે. કોર્ટે પૂછ્યું કે, શું આ જોગવાઈ હેઠળ તમારી રેગિંગની ફરિયાદ પર વિચાર કરવામાં આવશે? વકીલે જવાબ આપ્યો, ના. પરંતુ મારી પાસે અન્ય કોઈ સહારો પણ નથી. આગોતરા જામીન કોઈ વિકલ્પ નથી, કારણ કે સરકારે સુધારા કર્યા છે. આ છોકરાની કારકિર્દી ખતમ થઈ જશે. એક છોકરો જેણે રેગિંગનો સામનો કરવો પડ્યો છે. રેગિંગની વ્યાખ્યાને નિયમોમાંથી કેમ હટાવવામાં આવી? આ નિયમો ફક્ત જાતિ આધારિત મુદ્દાઓને જ સંબોધિત કરે છે. તે પાયાની વાસ્તવિકતાને સંબોધિત કરતા નથી. તે સિનિયર અને જૂનિયર વચ્ચેના ભેદને સંબોધિત કરતા નથી.

અરજદારના વકીલે ભેદભાવની વ્યાખ્યા પર ઉઠાવ્યા સવાલ 

સુનાવણી દરમિયાન વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે, અમે યુજીસી રેગ્યુલેશનની કલમ 3C ને એટલા માટે પડકારી રહ્યા છીએ. કારણ કે તેમાં જાતિગત ભેદભાવની વાત કરવામાં આવી છે. રેગ્યુલેશનમાં ભેદભાવની જે વ્યાખ્યા આપવામાં આવી છે તે સંપૂર્ણ રીતે સાચી નથી. તે બંધારણની સમાનતાની ભાવનાથી વિપરીત છે. બંધારણ મુજબ, ભેદભાવ દેશના તમામ નાગરિકો સાથે જોડાયેલો છે. પરંતુ યુજીસીનો કાયદો ફક્ત વિશેષ વર્ગ પ્રત્યેના ભેદભાવની વાત કરે છે. સુપ્રીમ કોર્ટે અગાઉ જે આદેશો આપ્યા છે, આ તેનાથી પણ વિરુદ્ધ છે. આનાથી સમાજમાં વૈમનસ્ય વધશે. આ બંધારણમાં આપવામાં આવેલા સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે.