દર મહિનાની જેમ બે દિવસ બાદ શરૂ થનારા પહેલી ફેબ્રુઆરીથી કેટલાક મહત્વના નિયનો બદલાઈ રહ્યા છે, પરંતુ આ તમામ નિયમોમાંથી ફાસ્ટેગ અને રજિસ્ટ્રેશન સંબંધિત નિયમોમાં કરવામાં આવેલા ફેરફારની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. પહેલી ફેબ્રુઆરી 2026થી સામાન્ય જનતાના જીવન અને ખિસ્સાને અસર કરતા અનેક મહત્વના નિયમો બદલાવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર અને સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયોની સીધી અસર વાહન ચાલકો, મિલકત ખરીદનારાઓ અને સામાન્ય બેંકિંગ વ્યવહારો પર પડશે. જો તમે આ ફેરફારોને સમયસર નહીં સમજો, તો આગામી દિવસોમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચાલો જોઈએ શું છે આ બદલાઈ રહેલાં નવા નિયમો...
ફાસ્ટેગનો આ નિયમ બદલાશે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા વાહનચાલકોને મોટી રાહત આપતા ફાસ્ટેગ સાથે જોડાયેલી નો યોર વેહિકલ (KYV) પ્રક્રિયાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી ફેબ્રુઆરીથી ફાસ્ટેગ એક્ટિવ થયા પછી કોઈપણ પ્રકારનું કેવાયવી વેરિફિકેશન કરાવવું પડશે નહીં. હવે આ સંપૂર્ણ જવાબદારી બેંકોની રહેશે કે તેઓ ટેગ જારી કરતા પહેલાં જ વાહનની તમામ તપાસ પૂરી કરી લે.
યુઝર્સને શું ફાયદો થશે
જૂના યુઝર્સને ફાયદો આને કારણે ફાયદો થશે. જે વાહનોમાં પહેલેથી જ ફાસ્ટેગ લાગેલું છે, તેમણે હવે કોઈ રૂટિન વેરિફિકેશન કરાવવાની જરૂર નથી. માત્ર જો ટેગનો ખોટો ઉપયોગ થાય અથવા ટેગ તૂટી જાય તેવી ફરિયાદના કિસ્સામાં જ તપાસ કરવામાં આવશે. નવી સિસ્ટમ અનુસાર હવે બેંકો ફાસ્ટેગ એક્ટિવ કરતાં પહેલાં વાહનનો ડેટા 'વાહન ડેટાબેઝ' સાથે મેચ કરશે. જો ત્યાં ડેટા નહીં મળે, તો જ આરસી (RC) બુકના આધારે તપાસ થશે. આનાથી ટોલ પ્લાઝા પર દસ્તાવેજો અપલોડ કરવાની માથાકૂટ અને સમયનો વ્યય અટકશે.
જમીન અને મિલકતની રજિસ્ટ્રીમાં 'આધાર' અનિવાર્ય
જમીન-મકાનની ખરીદી અને વેચાણમાં થતી છેતરપિંડી રોકવા માટે સરકાર દ્વારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીથી મિલકતની રજિસ્ટ્રી સમયે માત્ર ખરીદનાર અને વેચનાર જ નહીં, પરંતુ સાક્ષીઓનું પણ આધાર વેરિફિકેશન સ્થળ પર જ કરવામાં આવશે. આ સિવાય તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં બાયોમેટ્રિક મશીનો લગાવી દેવામાં આવ્યા છે, જે યુઆઈડીએઆઈ સર્વર સાથે જોડવામાં આવ્યા છે. ફિંગરપ્રિન્ટ મેચ થયા બાદ જ રજિસ્ટ્રીની ફાઈલ આગળ વધશે.
ફેસ ઓથેન્ટિકેશન અને ઓટીપીની સુવિધા
જો કોઈ વૃદ્ધ કે શ્રમિકના ફિંગરપ્રિન્ટ મેચ ન થાય, તો તેમના માટે 'ફેસ ઓથેન્ટિકેશન' અથવા આધાર સાથે લિંક કરેલા મોબાઈલ પર ઓટીપીની સુવિધા આપવામાં આવશે. જરૂર પડ્યે આધાર કાર્ડ સાથે સંકળાયેલા મોબાઈલ નંબર પર ઓટીપીથી વેરિફિકેશન કરી શકાશે. આ ફેરફારથી બેનામી મિલકતો અને નકલી સાક્ષીઓ દ્વારા થતી છેતરપિંડી પર કાયમી લગામ લાગશે. આ સિવાય ફાસ્ટેગ નિયમમાં ફેરફાર થવાને કારણે વાહનચાલકોને વારંવાર વેરિફિકેશનથી રાહત મળશે.
બેંકિંગ અને વેરિફિકેશન પ્રક્રિયા
નવા મહિનાથી બેંકિંગ ક્ષેત્રે પણ કેટલાક આંતરિક વેરિફિકેશન નિયમો વધુ કડક બનાવવામાં આવશે. ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે બેંકો સુરક્ષાના વધારાના લેયર ઉમેરવામાં આવશે, એવો દાવો પણ એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.