પ્રફુલ પટેલને પાર્ટીનું સુકાન સોંપાવાની શક્યતા, NCPના બંને જૂથો એક થવાની અટકળો
મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન પછી હવે નાયબ મુખ્ય પ્રધાનપદ અને પાર્ટીના સર્વેસર્વા કોને બનાવવામાં આવે એની અટકળો વહેતી કરવામાં આવી છે.
પાર્ટીના સુકાનની સામે નાયબ મુખ્યપ્રધાન પદ માટે વહેલી જાહેરાત કરવાની શક્યતા છે ત્યારે આજે સુનેત્રા પવારે પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ, છગન ભુજબળ, ધનંજય મુંડે, સુનીલ તટકરેને મળ્યા હતા. સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવશે. સુનેત્રા પવાર અજિત પવારની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
પાર્ટીના સુકાન માટે હવે પ્રફુલ પટેલને જવાબદારી સોંપી શકાય છે. આ પ્રસ્તાવ માટે તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળશે તેમ જ એનસીપી (એસપી) એક થવા મુદ્દે ચર્ચા થવાની અટકળો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું ગઈકાલે બારામતીમાં પ્લેનક્રેશમાં નિધન થયું હતું. પ્લેન ક્રેશમાં પાંચ લોકોનાં મોત થયા છે. પ્લેનમાં અજિત પવારની સાથે સુરક્ષા ગાર્ડ, બે પાઈલટ્સ અને એક મહિલા ક્રૂ મેમ્બર હતી. પાંચમી ફેબ્રુઆરીના પુણેમાં યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણીની રેલીને સંબોધવાના હતા. સવારે મુંબઈથી બારામતી જવા ગયા હતા, પરંતુ લેન્ડિંગ વખતે અકસ્માત થયો હતો.