સુધરાઈના અધિકારીઓને 27મી સુધીમાં વિગતવાર રિપોર્ટ આપવાનો આદેશ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે આજે વાયુ પ્રદૂષણ ઘટાડવાના તેના આદેશોની અવગણના બદલ પાલિકાના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી અને નોંધ્યું હતું કે તેઓ પણ એ જ અશુદ્ધ હવા શ્વાસમાં લઈ રહ્યા છે અને કોઈ પરગ્રહ પર નથી રહેતા.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ સુમન શ્યામની બેન્ચે મુંબઈ અને નવી મુંબઈ સુધરાઈના કમિશનરોને ચેતવણી આપી હતી કે જો તેઓ કોર્ટના આદેશોનું પાલન કરવામાં તથા વાયુ પ્રદૂષણ સુધારવાનાં પગલાં લેવામાં નિષ્ફળ જશે તો તેમનો પગાર અટકાવી દેવાશે.
વર્ષ 2023માં કોર્ટે વધતા વાયુ પ્રદૂષણ અંગે આપમેળે નોંધ લીધી હતી અને નાગરિક સંસ્થાઓ અને અન્ય સત્તાવાળાઓને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવા માટે અનેક નિર્દેશો આપ્યા હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલ એસ. યુ. કામદારે કોર્ટને જણાવ્યું હતું કે સુધરાઈઓએ અનેક બાંધકામ સ્થળોએ કામ બંધ કરવાની નોટિસ જારી કરી છે અને 600 સ્થળોએ જ્યાં હવા ગુણવત્તા મોનિટરની જરૂર હતી, તેમાંથી લગભગ 400 સ્થળોએ ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યાં છે.
જોકે, હાઈ કોર્ટ આ રજૂઆતથી સંતોષ થયો નહોતો અને તેમણે નિર્દેશ કર્યો હતો કે આ બધી પ્રદૂષણ વિરોધી કાર્યવાહી ફક્ત કોર્ટના આદેશો અનુસાર જ કરવામાં આવી હતી. તમે આટલાં વર્ષો શું કરી રહ્યા હતા? અમે દર વખતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અહીં નથી બેઠા. મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવવાનું કોર્ટનું કામ નથી, એમ પણ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું.
કોર્ટે હવાના ગુણવત્તા દેખરેખ પરના ડેટાનો વિગતવાર અહેવાલ માગ્યો અને બીએમસીને નવેમ્બર 2025 પહેલાના ત્રણ મહિનાનો દૈનિક સેન્સર ડેટા સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અમને આંકડા જોઈએ છે. તે સાચી વાત કહેશે, કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે નોંધ્યું કે બીએમસી અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બંને દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં વોર્ડવાર વિગતોનો અભાવ હતો અને કહ્યું કે વાયુ પ્રદૂષણના મુદ્દાને ઉકેલવા માટે અધિકારીઓ તરફથી કોઈ સાચા અને અસરકારક પ્રયાસો થયા નથી. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 27 જાન્યુઆરીએ મુલતવી રાખી છે.
(એજન્સી)