અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઇટમાં આવેલા જજીસ બંગલો રોડ પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એનઆરઆઈ (NRI) ટાવરમાં રહેતા એક નવદંપતી વચ્ચે થયેલા ઝઘડાએ લોહિયાળ વળાંક લીધો છે, જેમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. શહેરના જજીસ બંગલો રોડ પર આવેલી NRI ટાવર સોસાયટીમાં મોડી રાત્રે ફાયરિંગનો અવાજ ગુંજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘરકંકાસમાં પતિએ પત્ની પર ગોળીબાર કર્યા બાદ પોતે પણ માથાના ભાગે ગોળી મારી આપઘાત કરી લીધો છે.
108ના સ્ટાફની નજર સામે કર્યું ફાયરિંગ
મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના વતની યશરાજ ગોહિલ અને રાજેશ્વરી ગોહિલના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેઓ સેટેલાઇટ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં રહેતા હતા. ગત મોડી રાત્રે કોઈ અજ્ઞાત કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવીને યશરાજે પોતાની પાસે રહેલા હથિયારથી પત્ની રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું હતું.
પત્ની લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા યશરાજે પોતે જ 108 ઇમરજન્સી સેવાને ફોન કરીને બોલાવી હતી. 108ના તબીબોએ તપાસ કરતા રાજેશ્વરીને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરી હતી. જેવો 108નો સ્ટાફ ઘરની બહાર નીકળ્યો, કે તુરંત જ યશરાજે એ જ હથિયાર વડે પોતાના માથામાં ગોળી મારી દીધી હતી. યશરાજનું પણ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વસ્ત્રાપુર પોલીસે શરૂ કરી તપાસ
બનાવની જાણ થતા જ ઝોન-1 ડીસીપી (DCP), ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને વસ્ત્રાપુર પોલીસનો મોટો કાફલો NRI ટાવર ખાતે પહોંચી ગયો હતો. એફએસએલ (FSL)ની ટીમે પણ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. લગ્નના ટૂંકા ગાળામાં જ આવું પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. વસ્ત્રાપુર પોલીસ આ મામલે ગુનો નોંધી યશરાજ પાસે હથિયાર ક્યાંથી આવ્યું અને ઝઘડો કઈ બાબતે થયો હતો તેની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જોકે, સૂત્રો પાસેથી મળતી મહિતી મુજબ યશરાશ ગોહિલ ક્લાસ-1 અધિકારી અને કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનો ભત્રીજો છે.