અંકિત દેસાઈ
આજના સમયમાં પુરુષના ખભા પર જવાબદારીઓનો ભાર અગાઉ કરતાં અનેકગણો વધી ગયો છે. એક તરફ કરિયરમાં ટોચ પર પહોંચવાની હોડ છે અને બીજી તરફ પરિવારને પૂરતો સમય આપીને એક આદર્શ પિતા, પતિ કે પુત્ર બનવાની મથામણ છે.
જ્યારે કોઈ પુરુષ ખૂબ જ સંઘર્ષ કરીને પોતાની ઓફિસ અને ઘર વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેની પાછળ તેની વર્ષોની મહેનત અને માનસિક શક્તિ ખર્ચાતી હોય છે. અહીં આશ્ર્ચચર્યની વાત એ છે કે આટલું સંતુલન જાળવ્યા પછી પણ જ્યારે તેને યોગ્ય પ્રશંસા કે ‘જશ’ નથી મળતો ત્યારે તે અંદરથી ભાંગી પડે છે.
ઓફિસમાં કદાચ એવું સાંભળવા મળે કે તમે કામમાં પૂરતું ધ્યાન નથી આપતા અને ઘરે એવું સાંભળવા મળે કે તમે પરિવાર માટે સમય જ નથી કાઢતા.... આ બેવડી તલવાર પર ચાલવા જેવી સ્થિતિમાં જ્યારે જશને બદલે ટીકા મળે છે ત્યારે મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે આ બધું કોના માટે?
આવી પરિસ્થિતિમાં સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ‘જશ’ કે ‘પ્રશંસા’ એ બાહ્ય પરિબળ છે, જે આપણા નિયંત્રણમાં નથી. પુરુષોમાં નાનપણથી જ એવી માનસિકતા કેળવવામાં આવે છે કે તેમણે કુટુંબના ‘પ્રોવાઈડર’ બનવું અને બદલામાં માન-સન્માન મેળવવું. જ્યારે આ સન્માન મળતું બંધ થાય છે, ત્યારે આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે.
જોકે અહીં દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. જો તમે વર્ક-લાઈફ બેલેન્સ જાળવી રહ્યા છો તો તે તમે કોઈના પર અહેસાન કરવા માટે નહીં, પણ તમારા પોતાના માનસિક સ્વાસ્થ્ય અને સ્થિરતા માટે કરી રહ્યા છો. જો તમે ઓફિસના ટેન્શનને ઘરના ઉંબરા પર છોડીને પરિવાર સાથે બેસો છો તો તેનાથી મળતી શાંતિ એ તમારો અસલી પુરસ્કાર છે, પછી ભલે સામેવાળી વ્યક્તિ તેને સ્વીકારે કે ન સ્વીકારે. ઘણીવાર લોકો તમારી મહેનતને એટલા માટે નથી બિરદાવતા, કારણ કે તેમને તેની આદત પડી ગઈ હોય છે. તમારી હાજરી અને તમારું સમર્પણ તેમના માટે ‘ગ્રાન્ટેડ’ બની જાય છે.
આવે વખતે જશ ન મળે ત્યારે નિરાશ થઈને બેસી રહેવાને બદલે તમારી પ્રાથમિકતાઓનું પુન:મૂલ્યાંકન કરવું જોઈએ. શું તમે ખરેખર બેલેન્સ કરી રહ્યા છો કે માત્ર દેખાવ? ક્યારેક આપણે કામ અને ઘર વચ્ચે ફિઝિકલી હાજર હોઈએ છીએ પણ મેન્ટલી ગેરહાજર. જો તમારી મહેનત સાચી છે અને છતાં પ્રતિસાદ નકારાત્મક છે તો સંવાદ સાધવો અનિવાર્ય છે. પુરુષ અવારનવાર પોતાની લાગણીઓ વ્યક્ત કરતા અચકાય છે, પણ સાથીદાર કે બોસ સાથે સ્પષ્ટ વાતચીત કરવાથી ગેરસમજ દૂર થઈ શકે છે.
તમારે એ સ્વીકારવું પડશે કે તમે સુપરમેન નથી. તમે દરેકને દરેક સમયે ખુશ રાખી શકતા નથી. જે દિવસે તમે આ સત્યનો સ્વીકાર કરી લેશો તે દિવસે બીજાના અભિપ્રાયો તમારી શાંતિ હણી શકશે નહીં. જશની અપેક્ષા રાખવી એ માનવ સહજ સ્વભાવ છે, પણ તેના પર નિર્ભર રહેવું એ માનસિક ગુલામી છે.
વર્ક-લાઈફ બેલેન્સનો અર્થ માત્ર સમયની ફાળવણી નથી, પણ ક્વોલિટીની ફાળવણી છે. જો ઓફિસમાં તમે સો ટકા આપ્યા પછી પણ પ્રમોશન કે વાહવાહી નથી મળતી, તો કદાચ સમય છે તમારી સ્કિલ્સ વધારવાનો અથવા નવી તકો શોધવાનો. તેવી જ રીતે, જો ઘરે પૂરતો સમય આપવા છતાં કચકચ થતી હોય તો જોવું જોઈએ કે એ સમયમાં તમે કેટલા આત્મીય છો.
જશ ન મળવા પાછળ ક્યારેક સામા પક્ષની ઊંચી અપેક્ષાઓ પણ જવાબદાર હોય છે. લોકોની અપેક્ષાઓનો કોઈ અંત નથી હોતો અને જો તમે તેમને સંતોષવા જશો તો તમારું પોતાનું અસ્તિત્વ ભૂંસાઈ જશે તેથી તમારી જાતને પૂછો કે શું તમે તમારી નજરમાં સાચા છો? જો તમારો અંતરાત્મા કહેતો હોય કે તમે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે તો પછી દુનિયાના સર્ટિફિકેટની કોઈ કિંમત નથી.
આખરે, પુરુષ તરીકે તમારે તમારી સફળતાની વ્યાખ્યા જાતે લખવી પડશે. સફળતા એટલે માત્ર મોટું બેંક બેલેન્સ કે ઓફિસમાં મોટી કેબિન નથી, પણ રાત્રે ઊંઘતી વખતે મળતો સંતોષ છે. જશ ન મળે ત્યારે હારી જવાની જરૂર નથી, પણ તમારી કાર્યપદ્ધતિમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. પોતાની જાત માટે થોડો સમય કાઢો, પોતાના શોખ પૂરા કરો અને પોતાની પ્રશંસા પોતે કરતા શીખો.
જ્યારે તમે અંદરથી મજબૂત હશો ત્યારે બહારનો અવાજ તમને વિચલિત કરી શકશે નહીં. જીવન એક સફર છે, જેમાં ઉતાર-ચઢાવ આવવાના જ છે, પણ જો તમે બેલેન્સ જાળવવાની કળા શીખી ગયા છો, તો જશ મળે કે ન મળે, તમે વિજેતા જ છો. તમારી મહેનત એ બીજ જેવી છે, જે કદાચ અત્યારે દેખાતી નથી, પણ યોગ્ય સમયે તેના ફળ ચોક્કસ મળશે. ત્યાં સુધી ધીરજ અને મક્કમતા સાથે આગળ વધતા રહેવું એ જ સાચું પુરુષત્વ છે.