Tue Jan 27 2026

Logo

White Logo

મહાન માણસોની કર્કશા પત્ની... કારણ શું?

5 days ago
Author: Mumbai Samachar Team
Video

કૌશિક મહેતા

ડિયર હની,

પત્ની વિષે ઘણું બધું લખાયું છે અને એમાં એક મુદ્દો સદીઓથી ચર્ચાતો રહ્યો છે અને એ છે, મહાન માણસોની કર્કશા પત્નીઓ.

આવા કિસ્સાઓ મશહૂર છે અને એમાં વાંક પત્નીનો છે કે ખુદ પતિનો એ નક્કી કરવામાં એક નહિ અનેક મત છે.  હા, પણ  એ વાત સાચી છે કે, મહાન લેખકો અને ચિંતકોના અંગત જીવનમાં તેમની પત્ની સાથેના સંબંધો ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યા છે.

લોકવાયકા અને જીવનચરિત્રો મુજબ કેટલીક પત્ની તેમના કર્કશા એટલે કે, ઝઘડાળુ કે કઠોર સ્વભાવ માટે કુ-ખ્યાત  બની હતી. કેટલાક દાખલા જોઈ જવા જેવા છે, જેમકે.... ઇતિહાસમાં સૌથી જાણીતો કિસ્સો સોક્રેટિસ અને જેન્થિપીનો છે. કહેવાય છે કે એકવાર સોક્રેટિસ પર ગુસ્સે થઈને જેન્થિપીએ તેમના માથા પર ગંદા પાણીનું ટબ ઊંધું વાળી દીધું હતું. સોક્રેટિસે શાંતિથી એટલું જ કહ્યું :

‘હા, મેં ધાર્યું જ હતું કે આટલી ગર્જના પછી વરસાદ તો પડશે જ!’

બીજો દાખલો પણ જાણીતો છે, લિયો ટોલ્સટોય અને સોફિયાનો. વિશ્વપ્રસિદ્ધ રશિયન લેખક ટોલ્સટોયનું દામ્પત્ય જીવન ખૂબ જ સંઘર્ષમય હતું. શરૂઆતનાં વર્ષો સારાં રહ્યાં  પણ પાછળથી આદર્શો અને મિલકતના વિવાદોને કારણે સોફિયા સાથે તેમનો ઘર્ષણ વધ્યો. આખરે ટોલ્સટોય પોતાના ઘરની અશાંતિથી કંટાળીને 82 વર્ષની ઉંમરે ઘર છોડીને ભાગી ગયા હતા અને રેલવે સ્ટેશન પર તેમનું મૃત્યુ થયું હતું. 

અબ્રાહમ લિંકન અને મેરી ટોડનું લગ્ન જીવન પણ સારું રહ્યું નહોતું. આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને મિલેવા મેરિક વચ્ચે પણ મતભેદો તીવ્ર હતા. આઈન્સ્ટાઈને તેમની પત્ની માટે જે.’ ‘નિયમોની યાદી’ બનાવી હતી, તે દર્શાવે છે કે તેમના સંબંધોમાં કેટલી કડવાશ હતી. ભારતીય સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતી સાહિત્યના યુગપુરુષ નર્મદના અંગત જીવનમાં પણ સ્ત્રીઓ સાથેના સંબંધો અને લગ્નજીવનના અનેક વળાંકો હતા, જે તેમનાં લેખનમાં પણ દેખાય છે.

આ મુદે ચર્ચાઓ ઘણી થઇ છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ કિસ્સાઓને તપાસવાની જરૂર છે. મહાન માણસો મોટાભાગે  તેમના લક્ષ્ય, સંશોધન, રાજકારણ કે કળામાં એટલા ડૂબેલા હોય છે કે તે  પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતા નથી. પત્ની જ્યારે એકલા હાથે ઘરની તમામ જવાબદારીઓ નિભાવતી હોય અને પતિ માનસિક રીતે ગેરહાજર હોય  ત્યારે સ્વાભાવિક રીતે તેનામાં ચીડિયાપણું અને ગુસ્સો આવી શકે છે.

ઉપરાંત, ઘણીવાર મહાન વિચારો કરનારા લોકો વ્યવહારિક રીતે કાચા હોય છે. તે  પૈસા કમાવવા કરતાં  પોતાના આદર્શો પાછળ વધુ દોડતા હોય છે. જ્યારે ઘરમાં પાયાની જરૂરિયાતો પૂરી ન થતી હોય ત્યારે પત્નીનું ઝગડાખોર થવું એ વાસ્તવમાં ઘર બચાવવા માટેનો સંઘર્ષ હોઈ શકે છે. એટલું જ નહિ, સમાજ મહાન માણસની પત્ની પાસે પણ ‘મહાન’ બનવાની અપેક્ષા રાખે છે. તેણે હંમેશાં ત્યાગ અને સહનશીલતાની મૂર્તિ બની રહેવું પડે છે. 

પોતાની ઈચ્છાઓ અને વ્યક્તિત્વને દબાવવાને કારણે જે માનસિક તણાવ પેદા થાય છે, જે  ક્યારેક ગુસ્સા સ્વરૂપે બહાર આવે છે. મહાન માણસોના વિચારો સામાન્ય દુનિયા કરતાં  અલગ હોય છે. પત્ની ઘણીવાર વ્યવહારિક હોય છે, જ્યારે પતિ કાલ્પનિક અથવા વૈચારિક દુનિયામાં હોય છે. આ બે અલગ-અલગ દુનિયા જ્યારે એક છત નીચે ભેગી થાય  ત્યારે વૈચારિક મતભેદ અને ઝઘડા થવાની શક્યતા વધી જાય છે.

આમાં સૌથી મહત્ત્વની વાત કે જે બહુ ઓછી ચર્ચાઈ છે કે ઇતિહાસ મોટાભાગે પુરુષોએ લખ્યો છે. ઘણીવાર પત્નીના પક્ષની વાત રજૂ કરવામાં આવતી નથી. જે સ્ત્રી પોતાના હક માટે અવાજ ઉઠાવે તેને ઇતિહાસે ‘કર્કશા’ તરીકે ચિતરી દીધી હોય એવું પણ બની શકે.

પત્નીની ભૂમિકા આવા સંજોગો જરા મુશ્કેલ બની જાય છે,  કારણ કે આવા પતિઓ પોતાના કામમાં એટલા જોતરાયેલા રહે છે કે, પત્ની અને એની ઇચ્છાઓ પર ધ્યાન આપી શકતા નથી કે આપતા નથી. એમાંથી સમસ્યા ઊભી થાય છે. ઘણા બધા કલાકારોની જિંદગીમાં પણ આવું બન્યું છે. એમાં ક્યારેક અન્ય સબંધો પણ કારણભૂત બનતા હોય છે. અને એ વાત સાવ સાચી છે કે, પત્ની માની લો કે ઝગડાખોર બની પણ એવું શા માટે બન્યું એ વિષે એને કદી પુછાયું નથી. એમનો પક્ષ જાણવા મળ્યો  નથી.

આપણી વચ્ચે પણ ઝગડા થયા છે. ઘણીવાર હું કે તું ગુસ્સે થયા હોય એવુય બન્યું છે અને થોડા કલાકો વચ્ચે બંને વચ્ચે સંવાદ અટકી પડ્યો હોય એવું ય બન્યું છે. , પણ એવું લાંબો સમય રહ્યું નથી. કાં તો તું  કાં તો હું એકબીજાને મનાવવા પ્રયત્ન કરીએ પછી  ઝગડા પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. દરેક પત્ની ચાહે છે કે, એ માત્ર રસોડાની રાણી ના બની રહે. એના અસ્તિત્વની નોંધ લેવાય, એની ઇચ્છાઓ પ્રત્યે ધ્યાન અપાય. એના મૂડનો પણ ખ્યાલ કરવામાં આવે. બસ આટલું થાય તો ઇતિહાસમાં કર્કશા પત્નીઓ એવા શબ્દો વપરાય છે એ વાપરવા ના પડે.

- અને હા, કર્કશ પતિઓના એવા કિસ્સા ઇતિહાસમાં કેટલા? આ વિશે વાત થવી જોઈએ. આપણે કરીશું  ફરી ક્યારેક.....
તારો બન્ની.