Tue Jan 27 2026

Logo

White Logo

મુખ્બિરે ઈસ્લામઃ અલ્લાહનો આભાર ને’મતોમાં વધારો કરે ઈબાદત-બંદગી બેડો પાર કરે

5 days ago
Author: Mumbai Samachar Team
Video

અનવર વલિયાણી

માનવમાત્રની એ જન્મજાત ટેવ, ઈચ્છા, ફિત્રત રહેલી હોય છે કે રબ-રોજી રોજગારમાં બરકત આપે-વધારો કરે, તેનો વ્યવસાય સારી રીતે ચાલવા લાગે અને તેની ને’મતો (ઈશ્વરની દેણગી- કૃપા)માં બઢતી થવા પામેલ.

સુન્ની મુસલમાનો જેમને ચોથા ખલીફા (રાજ્યકર્તા) માને છે અને શીઆ મુસ્લિમો 1લા ઈમામ (ઉમ્મત-પ્રજા, અનુયાયીઓની આગેવાની લેનાર, નેતૃત્વ સંભાળનાર)-તરીકે અનુસરે છે તે શેરેખુદા હઝરત (માનવંત) અલી સાહેબના એક ખુત્બા (ધાર્મિક પ્રવચન)ના કથન મુજબ ‘અમલ (આચરણ) કર્યા વગરની દુઆ (પ્રાર્થના) એવી છે જાણે કે ધનુષ્ય વગર ફેકેલું તીર!’

* કર્મ સારા કરતા હોઈએ અને રોજી-રોજગારમાં સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવી દુઆ કરવી બહેતરીન (શ્રેષ્ઠ) ઈબાદત છે. પણ તેની સાથે સખત પરિશ્રમ કરવો-પ્રયત્ન કરવો પણ એટલો જ જરૂરી છે ઉપરાંત કેટલાક નેક-ભલાઈના કાર્યો એવા પણ છે કે જેને અંજામ આપવો-કરવાથી અલ્લાહ બંદા માટે રીઝક અર્થાત્ કમાણીના દરવાજા ખોલી નાખે છે અને સચ્ચાઈ પર ચાલનારા એ બંદાને એટલું બધું આપે છે કે તેને ગુમાન-અભિમાન પણ નથી આવતું. તે નકામા ખર્ચ પણ નથી કરતો. ધરતી પર ધીમે પગલે ચાલે છે અને રાહે ખુદા-રબ તઆલાના માર્ગમાં ખર્ચ કરે છે.

- અસનાદ (સદા સત્યનું આચરણ કરનાર) હુઝૂરે (માનવંત) અનવર (સલ.) ફરમાવે છે કે,
* દુઆ-તમારી પ્રાર્થનાને સ્વીકાર્ય બનાવવા માટે લોટમાં નમક નાખીએ એટલી નેકી પણ પૂરતી છે. વ્હાલા વાચક બિરાદરો! ચાલો, આપણે રોજીની દુઆને રબની બારગાહમાં-તેના દરબારમાં સ્વીકાર્ય બનાવવા-બનાવતા કેટલાક કાર્યોનો અભ્યાસ કરી તેના અમલીકરણ-આચરણ વડે રબ પાસેથી વધારે રોજી-સૌભાગ્ય મેળવવાની અપેક્ષા રાખીએ:

1. તમારા ઘરમાં કામ કરતા નોકર-ચાકરો દુકાન-કાર્યાલય કે તમારા વ્યવસાય સાથે સંકળાયેલા કાર્યકરો-સંપર્કમાં આવનાર અપરિણીત સ્ત્રી-પુરુષો પૈસાના અભાવે શાદી કરી શકવા અસમર્થ હોય તો તેમના લગ્ન કરાવી આપવા નિમિત્ત બની રહીએ, તેમનું ઘર વસાવી આપીએ. અલ્લાહ ઘણો જ ઉદાર અને તમામ બાબતોને જાણનાર છે. તે પ્રત્યેક પળથી વાકેફ-પરિચિત છે.

2. રબ (પાલનહાર ઈશ્વર) પોતાની કિતાબ કુરાનમાં કહે છે કે-
‘... જો તમે મારો આભાર માનતા રહેશો તો હું તમારી ને’મતો વધારી આપીશ અને જો તમે મારી ને’મતો-દેણગીની અવગણના કરશો તો મારો અઝાબ (સજા) ઘણો જ સખત છે...!’

3. ‘તમારા રબની સમક્ષ ઈસ્તિગફાર-ક્ષમાની યાચના કરેલા ગુનાઓની ફરી ન કરવાની બાહેધરી સાથે માફી માગો. બેશક તે ખૂબ જ માફ કરવાવાળો છે. દયાવાન છે.

* તે તમારા માટે આકાશ પરથી પુષ્કળ પાણી વરસાવશે અને
* માલ તથા ઔલાદથી પણ તમારી સહાય કરશે.

- હઝરત ઈમામ જાફર સાદિક રદિયતઆલા અન્હોએ ઉપરોકત આયતો સહાબી-સાથી સંગાથીઓ ને સમજાવતા કહ્યું કે, આ સહાય દુનિયામાં હશે.

4. અલ્લાહ પાક કુરાનમાં ફરમાવે છે કે,
* અય આદમની ઔલાદ! તમે દરેક નમાઝના સમયે તમારો શણગાર કરતા રહો...!

- હઝરત ઈમામ સાદિક સાહેબે આ આયત (કથન, વાક્ય) સમજાવતા કહ્યું કે, આ આયતનો અર્થ એ બાબતથી છે કે, માથાના વાળ બરાબર ઓળવા. કારણ કે નમાઝ પહેલા વાળ ઓળવાથી વાળ સુંદર-આકર્ષક બને તો છે જ પણ રોજીમાં વધારો થાય છે. હાજતો-તમન્ના, ઈચ્છાઓ પૂરી થાય છે, વિર્ય વધે છે અને બલગમ-કફ દૂર થાય છે.

પ્રેરણાસ્ત્રોત:

પવિત્ર કુરાનમાં અલ્લાહતઆલા ફરમાવે છે,
- અય અબુઝર! જો માગવું હોય તો અલ્લાહતઆલા પાસે માગો, અને જો તવંગર બનવા ચાહો તો અલ્લાહતઆલા  થકી જ બનો.

જીવનનું ધ્યેય

ઈન્સાન જે જીવન જીવી રહ્યો છે તેની પાછળ કોઈને કોઈ ધ્યેય હોય છે. નિયમ વગરનું કોઈપણ કાર્ય હોવું જોઈએ નહીં; હોતું નથી.

- અને જ્યારે વર્તમાન યુગના ઈન્સાનનું જીવન હેતુહિન હોતું નથી ત્યારે શું આપણે આખુંય જીવન કશા ધ્યેય-હેતુ વગર વિતાવવું એ યોગ્ય કહેવાય ખરું?
- અક્કલ કહે છે કે નિયમ વગરનું કાર્ય હોતું નથી અને હોવું પણ જોઈએ નહીં. હેતુ વિહોણું હોવું મુર્ખતા છે.
- આ બોધને ગ્રહણ કર્યા પછી બીજો એક પ્રશ્ન એ ઉઠે છે કે દરેક ઈન્સાનના જીવનનું ધ્યેય એક જ હોવું જોએ કે જુદું જુદું?

- એક હેતુ માટે સર્વએ જીવન વિતાવવું જોઈએ કે જુદા જુદા હેતુ માટે? જો જુદા જુદા હેતુ માટે જીવન જીવવામાં આવે, તો આ વાત ચોક્કસ છે ઈન્સાનોમાં અંદરો અંદર ઝઘડા-ફિત્ના ફસાદ થવાના અને તેઓ કોઈપણ દિવસ એક જગ્યાએ એકઠા થઈ શકશે નહીં.

- ઉદાહરણરૂપે એક શખસે ચોરી કર, તેનાથી મળતા નાણાં પર જીવવાનું શરૂ કર્યું અને એકબીજા માણસે પ્રામાણિક રીતે જીવન નિભાવવા માંડ્યું, હવે વિચારો, આ બંને સમય વચ્ચે ઐકયતા કેવી રીતે થવાની? આ બંને કેવી રીતે એક જગાએ સાથે મળી શકશે?

- એકબીજાના જીવનના હેતુ અલગ અલગ હોઈ, બંને વચ્ચે જરૂર રોષ અને ધિક્કાર ફેલાશે અને પરિણામે ફિત્નો અર્થાત્ પાપ-અપરાધ, લડાઈ-ઝઘડો અને વિદ્રોહ જન્મશે.

- હવે સિક્કાની બીજી બાજુનું વિચારીએ કે જગતના સૌ ઈન્સાનો એક નિયમ-હેતુ અપનાવી લે અને પછી જીવન જીવવાની શરૂઆત કરે, તો આ જગત કેવું સ્વર્ગ બની જાય! આજે જે ડર-ભય જોવામાં આવે છે તે ભિન્ન ભિન્ન હેતુઓના લીધે જ છે. સર્વે જો એક જ હેતુ માટે જીવન જીવવાનું નક્કી કરે અન પછી તે પ્રમાણે જીવે તો જોતજોતામાં ચોતરફ શાંતિ-શુકુન-શુભેચ્છાનું વાતાવરણ છવાઈ જાય.

- હવે એક ત્રીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે આ હેતુ મુકર્રર-નક્કી કોણ કરે?
- શું આ એવા લોકોના હાથમાં સોંપી દેવામાં આવે કે જે સર્વ માનવોના જીવનનો ધ્યેય નક્કી કરે? માનવજાત કદી કોઈ એક વાતમાં સર્વ સંમત થયા હોય એવો એક પણ દાખલો આજ સુધી ઈતિહાસના પાને નોંધાયો નથી, અને આ સ્થિતિ રહી તો માનવ જીવનનો સર્વનાશ નિશ્ર્ચિત છે.

- ધર્મે જેને ‘અશ્રફૂલ મખ્લુકાત’-સર્વ જીવોમાં શ્રેષ્ઠ જીવ આપ્યો છે તે મનુષ્ય જાત જીવન આપનારને પૂછે કે આ જીવનનો ધ્યેય શું છે? તું ક્યા હેતુ માટે આ ધરતી પર અમને પેદા કર્યાં? અમને મોકલ્યા?
- ઈન્સાનનો સર્જક પોતાના પવિત્ર કિતાબ કુરાન કરીમમાં કહી રહ્યો છે કે-‘વમા ખલકતુલ જિન્ન વલ્ ઈન્સ ઈલ્લાલે યઅબોદુન’

- અરબસ્તાનની મૂળ ભાષા અરબી છે અને આ આયતે કરીમા (ઈશ્ર્વરીય વાક્ય) અસનાદ (સત્યવાદી) હુઝુર (માનવંત) અનવર (જવલંત પ્રકાશ) મોહમ્મદ પયગંબર (સંદેશવાહક) પર આકાશવાણી દ્વારા ઊતરી તેમાં જે કહ્યું તેનો સરળ ગુજરાતીમાં ભાવાર્થ થાય છે કે - ‘નથી પયદા કર્યાં મેં જિન્નાત અને ઈન્સાનને પણ એટલા માટે કે તે મારી ઈબાદત (ફરમાંબરદારી-હુકમનું પાલન) કરે.’

- અહીં ઈબાદતનો એટલો મોટો-વિશાળ અર્થ થાય છે કે, જેમાં ઈન્સાનના જન્મથી મરણ સુધી તેણે કરવાના કાર્યોનો સમાવેશ થઈ જાય છે.
- ઈન્સાનના જીવનનો ધ્યેય-મકસદ-હેતુ આજ છે અને તે જીવન આપનારે જ આપ્યું છે.
- આ એક એવું સંપૂર્ણ ધ્યેય છે કે જેમાં જીવનની તમામ બાબતો આવી જાય છે અને તેનું વિસ્તારપૂર્વક વર્ણન ઘણીવાર થઈ ચૂક્યું છે. આ કોલમના વાચક મિત્રો એક વિદિત છે.

બોધ:

* જગતના સર્વ પ્રથમ ઈન્સાન હઝરત આદમનું પણ જીવનનું ધ્યેય આજ હતું અને કયામત (મૃત્યુલોક-ન્યાયનો દિવસ-આખરી નિર્ણય) સુધીના ઈન્સાનના જીવનનું આજ ધ્યેય રહેશે.
* * *
સાપ્તાહિક સંદેશ:

કોઈ માણસ પોતાના મનમાં ગમે તેટલી કોઈ વાત છુપી રાખે પરંતુ તેના બોલવા પરથી અથવા ચહેરા પરથી તેની ખચીત ખબર પડી જાય છે. મીંઢો-ખુદગર્જ માણસ સંતાનો અને પત્ની સુધ્ધાંનો હોતો નથી.