નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે ટિપ્પણી કરતાં જણાવ્યું કે સુખના તળાવને હજુ કેટલું સૂકવશો? તેમણે બિલ્ડર માફિયા અને અમલદારોની મિલીભગતને કારણે ચંદીગઢના પ્રખ્યાત તળાવના સૂકાઇ જવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સીજેઆઇ અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને વિપુલ એમ પંચોલીની ખંડપીઠ ૧૯૯૫ની પેન્ડિંગ પીઆઇએલમાં 'ઇન રેઃ ટીએન ગોદાવરમન થિરુમુલપાદ' નામની વચગાળાની અરજીઓની સુનાવણી કરી રહી હતી.
જ્યારે એક વકીલે તળાવ સંબંધિત અરજીનો ઉલ્લેખ કર્યો ત્યારે સીજેઆઇ કાંતે મૌખિક જણાવ્યું કે સુખના તળાવને તમે હજુ કેટલું સૂકવશો? પંજાબમાં અમલદારોની મિલીભગત અને રાજકીય લોકોના સમર્થનથી ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે, જેના કારણે તળાવ સંપૂર્ણપણે નાશ પામી રહ્યું છે. બધા બિલ્ડર માફિયાઓ ત્યાં કામ કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે જંગલો અને તળાવોને લગતા તમામ કેસો હાઇ કોર્ટને છોડીને સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવી રહ્યા છે. તે પણ ૧૯૯૫ની પેન્ડિંગ પીઆઇએલમાં વચગાળાની અરજીઓ તરીકે. મુખ્ય ન્યાયાધીશ કાંત અને ન્યાયાધીશ બાગચીની ખંડપીઠે શરૂઆતમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જંગલ સંબંધિત તમામ કેસ આ કોર્ટમાં કેમ આવી રહ્યા છે.
સુખના તળાવ કેસ સાથે સંબંધિત એક અરજીનો ઉલ્લેખ કરતાં સીજેઆઇએ કહ્યું કે જાણે કે કેટલાક ખાનગી ડેવલપર્સ અને અન્ય લોકોના ઇશારે એક ફ્રેન્ડલી મેચ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.