નવી દિલ્હીઃ ભારતના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ કહ્યું કે કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના પ્રોત્સાહન બાદ તે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા દ્વારા ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પાવરપ્લે દરમિયાન અપનાવવામાં આવેલા આક્રમક વલણને અપનાવી રહ્યો છે. અભિષેકે જુલાઈ 2024માં ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને તેની આક્રમક બેટિંગને કારણે બેટિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યો છે. અત્યાર સુધીમાં તેણે 34 મેચોમાં બે સદી અને સાત અડધી સદી સાથે 1199 રન કર્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ 190.92 છે.
રોહિતના પ્રભાવ વિશે બોલતા અભિષેકે કહ્યું કે રોહિત ભાઈએ દેશ માટે ઘણું કર્યું છે. પાવરપ્લેમાં તેઓ જે શરૂઆત અપાવે છે તે હંમેશા વિરોધી ટીમને દબાણમાં રાખે છે. જ્યારે હું ટીમમાં આવ્યો ત્યારે કોચ અને કેપ્ટન મારી પાસેથી આ ઇચ્છા રાખતા હતા. મને લાગે છે કે તે મારી બેટિંગ શૈલીને પણ અનુકૂળ છે કારણ કે મને હંમેશા શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરવાનો શોખ રહ્યો છે. હું રોહિત ભાઈના પગલે ચાલી રહ્યો છું અને આ રીતે રમીને અને ભારત માટે સારું પ્રદર્શન કરીને મને ખુશી મળે છે.
અભિષેકે કહ્યું કે તેની બેટિંગમાં ચોક્કસપણે સુધારાનો અવકાશ છે પરંતુ તે પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટ છે. હું એમ નહીં કહું કે હું સંપૂર્ણપણે પરિપક્વ થઈ ગયો છું કારણ કે હંમેશા સુધારા માટે અવકાશ રહે છે. પરંતુ મને લાગે છે કે મારી ભૂમિકા પ્રથમ છ ઓવરમાં આક્રમક ક્રિકેટ રમવાની છે."
વધુમાં તેણે કહ્યું હતું કે હું તેના માટે ઘણી પ્રેક્ટિસ કરી રહ્યો છું. મને ખબર છે કે જો હું સારી શરૂઆત કરીશ અથવા શરૂઆતથી જ સારો ઇરાદો બતાવીશ તો ટીમ તે ગતિનું અનુકરણ કરી શકે છે. હું હંમેશા તેના વિશે વિચારું છું."
ટી20 વર્લ્ડ કપ શરૂ થવામાં થોડા દિવસો બાકી હોવાથી અભિષેકે ખુલાસો કર્યો કે તેણે ટુર્નામેન્ટમાં ચોક્કસ પ્રકારના બોલરો સામે પ્રેક્ટિસ કરી છે જેનો તે સામનો કરશે. જો હું આક્રમક ક્રિકેટ રમવા માંગુ છું તો મારે ચોક્કસ રીતે પ્રેક્ટિસ કરવી પડશે. મેચ પહેલા હું આવું જ કરું છું. જ્યારે મને એક અઠવાડિયા કે દસ દિવસની રજા મળે છે ત્યારે હું ધ્યાનમાં રાખું છું કે આગામી મેચોમાં હું કેવા પ્રકારના બોલરોનો સામનો કરીશ."
25 વર્ષીય ખેલાડીએ સમજાવ્યું કે તે શક્ય તેટલું નેટમાં મેચ જેવી પરિસ્થિતિઓ ફરીથી બનાવવાનો પ્રયાસ કરે છે. નેટમાં હું વિરોધી ટીમ તરફથી જે પ્રકારના બોલરોનો સામનો કરવાનો છું તેનો સામનો કરવાનો પ્રયાસ કરું છું. હું તેમને આઉટસ્વિંગર્સ, ઇનસ્વિંગર્સ અને નવા બોલનો ઉપયોગ કરવાનું કહું છું."
તેણે કહ્યું હતું કે, "મને ખબર છે કે તેઓ મને ખૂબ ઝડપી બોલિંગ કરશે નહીં , ખાસ કરીને વર્લ્ડ કપ અથવા અન્ય કોઈપણ મેચ દરમિયાન. મેં આ અગાઉની મેચોમાં અનુભવ્યું છે તેથી મેં તેના પર કામ કર્યું છે."