ગાંધીનગરઃ 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતના આ ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં “પોપ્યુલર ચોઇસ એવોર્ડ” શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માહિતી કમિશ્નરની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવતા ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે; તેની ગૌરવપૂર્ણ સિધ્ધિ અંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રભક્તિની સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને ઉજાગર કરતા ગુજરાતના ટેબ્લોને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.
ગુજરાતને કુલ કેટલા વોટ મળ્યા
કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા MYGov પોર્ટલ પર તા.26 જાન્યુઆરીથી શરૂ કરી તા.27 જાન્યુઆરીના રાત્રે 11.45 કલાક સુધી યોજાયેલા મતદાનમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ કલાકથી બીજા દિવસના અંત સુધી સતત અગ્રેસર રહીને કુલ વોટના 43% વોટ સાથે પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક સાથે વિજેતા થયો હતો. દ્વિતિય ક્રમે રહેલા ઉત્તર પ્રદેશને 9% મત મળવા પામ્યા હતા, જ્યારે બાકીના 15 રાજ્યોએ અનુક્રમે મત મેળવ્યા હતા.
આ વર્ષે કર્તવ્ય પથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વંદે માતરમ્ અને સ્વદેશી ચળવળના સમન્વયથી ઉદ્ભવેલી આઝાદી માટેની ક્રાંતિથી લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભરતા માટે સ્વદેશીના મંત્રની યાત્રાને તાદૃશ રીતે રજૂ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા 2023ના 74મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી છે. આ પરેડમાં રાજ્ય સરકારે “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત”ના ટેબ્લોમાં વડાપ્રધાન પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી.
વર્ષ-2024ના 75મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ 2024માં બીજો ક્રમ મેળવ્યો હતો.
જ્યારે વર્ષ 2025માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તે વિકાસ ગાથા પ્રાચીન વિરાસતની ઝાંખી દર્શાવતો ‘આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ’ ટેબ્લો “પોપ્યુલર ચોઇસ એવોર્ડ” મેળવ્યા બાદ એવોર્ડ વિનિંગની આ પરંપરાને સાતત્યપૂર્ણ રીતે આગળ ધપાવતાં વર્ષ 2026ના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આધારિત ટેબ્લોને પણ આ એવોર્ડ પ્રાપ્ત થતાં ગુજરાતની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે.
આગામી તા.30 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે પ્રજાસત્તાક પર્વના સમાપન સમારોહમાં કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષણ પ્રધાનની ઉપસ્થિતિમાં ગુજરાતને આ ગૌરવપૂર્ણ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.