ભાવનગરઃ પાલીતાણાના પવિત્ર ગિરિરાજ શેત્રુંજય ખાતે આદિનાથ દાદાના ગર્ભગૃહમાં અશાતનાની આઘાતજનક ઘટના સામે આવી હતી. મુસ્લિમ યુવકે ગર્ભગૃહમાં પ્રવેશીને ફોટોગ્રાફી કરી હતી. તેણે પરમાત્માની અંગરચના અને પબાસન પર પગ મૂકી અશોભનીય રીતે શૂટિંગ કરતા જૈન સમાજની આસ્થાને ઊંડી ઠેસ પહોંચી હતી.આ ગંભીર મર્યાદા ભંગને પગલે સમગ્ર જૈન શાસનમાં ભારે રોષ ફેલાયો છે.
પાલીતાણા શત્રુંજય ગિરિરાજ પર બિરાજમાન મૂળનાયક આદીશ્વર પરમાત્માના દેરાસર અને અન્ય દેરાસરોમાં ફોટો કે વીડિયોગ્રાફી કરવાની સખત મનાઈ છે. તેમ છતાં ગત તા. 27 જાન્યુઆરીના ના રોજ કોઈ શખ્સે ગર્ભગૃહમાં અંદર જઈ ફોટા પાડતા ત્યાં હાજર જૈન યાત્રિકોમાં રોષ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટના રોકેટગતિએ ફરતી થઈ હતી. જેમાં આણંદજી કલ્યાણજી પેઢીએ ફોટોગ્રાફી માટે લખનૌની એક વિધર્મી વ્યક્તિની કંપનીને 45 લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો છે અને વિધર્મી ફોટોગ્રાફર દ્વારા પૂજાના કપડાં પહેર્યા વિના જ અંદર પ્રવેશ આદીશ્વર દાદાના ઢીંચણ પર ચઢી ફોટોગ્રાફી કરાઈ હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા.
આ ઘટનાથી પાલીતાણામાં બિરાજમાન જૈનાચાર્યો, મુનિ ભગવંતો પણ સખત આઘાત પામ્યા હતા. વિધર્મી કંપનીને વીડિયોગ્રાફી તથા ફોટોગ્રાફી માટે આણંદજી કલ્યાણજીની પેઢીએ કોન્ટ્રેક આપ્યો હતો અને લેખિતમાં પરમિશન આપવામાં આવી હતી. પેઢીએ આ નિર્ણય લીધો તેમાં સૌને વિશ્વાસમાં લીધા હતા કે નહિ તેવો પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે.
આણંદજી કલ્યાણજી પેઢીએ લખનૌની વિધર્મી કુલમેન ક્રિએટીવ કોન્સેપ્ટ કંપનીને કોન્ટ્રાકટ આપેલો છે. આશરે 42 લાખથી વધુ રૂપિયાનો કોન્ટ્રાકટ ફોટોગ્રાફી માટે આપ્યો છે. કોન્ટ્રાકટમાં જૂનાગઢના ગિરનારના દેરાસરનો તથા ચણાકપુરના દેરાસરનો સમાવેશ થયો છે. કંપનીના ફોટોગ્રાફરો ડુંગર પર જઈને વીડિયોગ્રાફી લેવા માટે ગયા અને જાણવા મળ્યું છે કે પેઢીએ કોન્ટ્રાકટ પણ વિધર્મી કંપનીને આપેલો છે.
દાદાના ગભારામાં દાદાના પગ સુધી વ્યકિત પૂજનના વસ્ત્રો વગર ગયો, મોજાવાળા ગંદા પગે ઉપર ચડયો અને આ ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ સમસ્ત જૈનોએ આ ઘટનાને વખોડી હતી. તેમજ જેના ઈશારે આ કોન્ટ્રાકટ અપાયો હોય તેની સામે એફઆઈઆર નોંધવાની પણ માંગ કરાઈ હતી.