Tue Jan 27 2026

Logo

White Logo

18 મીટરનો રોડ અડધો કરી નાખ્યો! AMCના અધિકારીઓએ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી કરી?

5 days ago
Author: Himanshu Chavada
Video

અમદાવાદ: પહેલા રોડ બને અને પછી યાદ આવે કે રોડ નીચે ગટરલાઇન નાંખવાની હતી. મહાનગરપાલિકાઓની કામગીરીને લઈને આવી ટીખળ અવારનવાર થતી હોય છે. જોકે, અમદાવાદ મહાનગરપાલિકાએ આવી ટીખળમાં એક નવી ટીખળ ઉમેરી છે.  'સ્માર્ટ રોડ' પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ નગરપાલિકાએ 18 મીટરનો રોડ 9 મીટરનો કરી નાખ્યો છે. જેનાથી પાર્કિંગની સમસ્યાનું તો નિવારણ આવશે, પરંતુ ટ્રાફિકની સમસ્યા ઊભી થશે. આ બાબત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ધ્યાને આવતા રોડ બનાવવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓનો ઉધડો લીધો

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલી રોડ બનાવવાની કામગીરીમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ટ્રાફિક સમસ્યા વધે તેવી ડિઝાઈન તૈયાર કરાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરે રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. 

સીજી રોડ અને લો-ગાર્ડન વિસ્તારને જોડતા રસ્તાઓને 'સ્માર્ટ રોડ' તરીકે ડેવલપ કરવા માટે રૂ. 100 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે, મીઠાખળી છ રસ્તાથી ગિરીશ કોલ્ડ્રિંક્સ સુધીનો રસ્તો હકીકતમાં 18 મીટર પહોળો છે. પરંતુ આ રસ્તાને 'સ્માર્ટ રોડ' તરીકે ડેવલપ કરવાની કામગીરીમાં વિપરીત પરિણામ સામે આવ્યું છે. નવી ડિઝાઈન મુજબ વિશાળ ફૂટપાથ, ગટરની ડક અને પાર્કિંગ માટે જગ્યા ફાળવતા વાહનોની અવરજવર માટેનો રસ્તો માત્ર 9 મીટર (અડધો) થઈ ગયો હતો. આટલા વ્યસ્ત વિસ્તારમાં રોડ અડધો થઈ જવાથી ભવિષ્યમાં ગંભીર ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી.

અધિકારીઓ સામે તપાસની માંગ ઊઠી

ડેપ્યુટી મેયર જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી જ્યારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન આ કામગીરી પર ગયું હતું. દેવાંગ દાણીએ જોયું કે, પેવર બ્લોક નાખીને રસ્તો સાંકડો કરવામાં આવી રહ્યો છે. તુરંત જ તેમણે અધિકારીઓને બોલાવીને ખખડાવ્યા હતા અને કામગીરી અટકાવવા આદેશ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વિવાદ વધતા મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર જાતે આ સ્થળની મુલાકાત લઈને ટ્રાફિકની સ્થિતિની સમીક્ષા કરશે. ભાજપના પદાધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે, 18 મીટરનો રોડ જળવાઈ રહેવો જોઈએ અને ફૂટપાથ કે પાર્કિંગના નામે વાહનચાલકોને મુશ્કેલી ન પડવી જોઈએ. સ્કાય વે ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટર અને પી.એમ.સી. (PMC) દ્વારા તૈયાર કરાયેલી આ ડિઝાઈનની ચકાસણી ન કરનારા અધિકારીઓ સામે પણ તપાસની માંગ ઉઠી છે.