Tue Jan 27 2026

Logo

White Logo

વિજય હજારે ટ્રોફી: વિદર્ભની જીતના રહસ્ય અંગે કોચ ઉસ્માન ગનીએ કર્યો ખુલાસો

1 week ago
Author: mumbai samachar teem
Video

બેંગલુરુઃ રણજી ટ્રોફી ચેમ્પિયન વિદર્ભે સૌરાષ્ટ્રને 38 રનથી હરાવીને વિજય હજારે ટ્રોફી જીતી લીધી છે. આ જીત અંગે મુખ્ય કોચ ઉસ્માન ગનીએ આ જીતને ટીમ વર્ક અને આત્મવિશ્વાસનું પરિણામ ગણાવ્યું છે.

વિદર્ભના મુખ્ય કોચ ઉસ્માન ગનીનું  માનવું છે કે વિજય હજારે ટ્રોફીમાં તેમની ટીમની શાનદાર જીતને ખેલાડીઓનો એક બીજા પર વિશ્વાસનું પરિણામ ગણાવી હતી. જેના કારણે તેમને પડકારજનક પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક પાર પાડવામાં મદદ મળી હતી. રણજી ટ્રોફી ચેમ્પિયન વિદર્ભે રવિવારે અહીં સૌરાષ્ટ્રને 38 રનથી હરાવીને ઘરેલુ વન-ડે ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું હતું.

ગનીએ પીટીઆઈને કહ્યું હતું કે, "અમે એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ. મર્યાદિત ઓવરના ક્રિકેટમાં પણ અમારી ટીમ મજબૂત છે પરંતુ અમે અગાઉ વ્હાઈટ બોલ ફોર્મેટમાં ટ્રોફી જીતી શક્યા નહોતા. આ વર્ષે અમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેટલીક નજીકની મેચો હારી ગયા હતા અને સુપર લીગ સુધી પણ પહોંચી શક્યા ન હતા."

તેમણે કહ્યું હતું કે "પરંતુ આ વખતે અમે આત્મવિશ્વાસથી ભરેલા હતા અને મર્યાદિત ઓવરની ટ્રોફી જીતવા માટે અમે એકબીજાને સાથ આપ્યો હતો. ટીમે સકારાત્મક ક્રિકેટ રમીને પડકારનો સારી રીતે સામનો કર્યો હતો. તેમની ટીમની જીતનું રહસ્ય જાહેર કરતા ગનીએ કહ્યું હતું કે તે બધા ખેલાડીઓનું સમર્થન કરે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સકારાત્મક રહે છે. 

પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય અમારે પ્રત્યેક ખેલાડીનું સમર્થન કરવું પડશે. આપણે તેમની સાથે ઊભા રહેવું પડશે. જો કોઈ મેચ આપણા માટે ખરાબ જાય તો આપણી પાસે હંમેશા પાછા ફરવાનો આત્મવિશ્વાસ રહે છે અને અમે ટીમના દરેક સભ્યને આ જ શીખવી રહ્યા છીએ."

ગનીએ કહ્યું હતું કે "આ હવે ટીમની માનસિકતા બની ગઈ છે અને જો તમે છેલ્લી કેટલીક મેચો (વિજય હજારે ટ્રોફી સેમિફાઇનલ અને ફાઇનલ) જુઓ તો અમારે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. તે બધું એક ટીમ તરીકે સકારાત્મક માનસિકતા જાળવવા વિશે છે." 

સ્થાનિક ક્રિકેટ સર્કિટમાં ઘણી ટીમોથી વિપરીત વિદર્ભે રેડ-બોલ અને વ્હાઇટ-બોલ ફોર્મેટ વચ્ચે યોગ્ય સંતુલન બનાવ્યું છે. ગનીએ આનું કારણ વિદર્ભની મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ અને સારા વિકલ્પોની ઉપલબ્ધતાને ગણાવી હતી.

તેમણે કહ્યું હતુ કે, "ધ્રુવ શોરેને ફાઇનલમાં રમવાની તક મળી ન હતી. દાનિશ માલેવર પણ અમારી સાથે નહોતો, કારણ કે તે રાજકોટમાં લીગ સ્ટેજ દરમિયાન ઘાયલ થયો હતો. પરંતુ વિદર્ભની બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત છે અને ટીમમાં સ્થાન મેળવવા માટે સ્વસ્થ સ્પર્ધા છે. અમારી પાસે ઘણા ખેલાડીઓ છે જે તકનો મહત્તમ ઉપયોગ કરવા માંગે છે."

વિદર્ભ 22 જાન્યુઆરીએ અનંતપુરમાં આંધ્રપ્રદેશ સામે રણજી ટ્રોફી અભિયાન ફરી શરૂ કરશે. ટીમ હાલમાં પાંચ મેચમાં 25 પોઈન્ટ સાથે ગ્રુપ-એમાં ટોચ પર છે. ગનીએ કહ્યું હતું કે વ્હાઇટ-બોલ ફોર્મેટથી રેડ-બોલ ફોર્મેટમાં અનુકૂળ થવું એક પડકાર છે, પરંતુ તે બધી ટીમો માટે છે. અમે જાણીએ છીએ કે તેનો સામનો કેવી રીતે કરવો."