પુણેઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ) ના પ્રમુખ અજિત પવાર, તેમના સ્પષ્ટ છતાં ઘણીવાર રમૂજી ભાષણો માટે જાણીતા છે. તાજેતરમાં છત્રપતિ શાહુ મહારાજની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સારથી સંસ્થા દ્વારા આયોજિત સફળ UPSC અને MPSC ઉમેદવારોના સન્માન સમારોહમાં પવારે તેમના યુવાનીનો એક રમુજી કિસ્સો શેર કર્યો હતો. ચાલો જાણીએ અજિતદાદાના લગ્નનો કિસ્સો.
અજિત પવારની રાજકીય કારકિર્દી કારખાનાના સંચાલક તરીકે શરુ થઈ હતી. તેમણે સુનેત્રા પવાર સાથે લગ્ન કરતા પહેલા પોતાનું ઘર બાંધવાનો નિર્ણય કર્યો હતો. 'મેં નક્કી કર્યું હતું કે પહેલા ઘર પછી લગ્ન. પત્નીને પતરાના ઘરમાં લાવીને શું કરું?"
પવારે પછી વર્ણન કર્યું કે કેવી રીતે એક 'નિમ્બાલકર સાહેબ' એ સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1980ના દાયકામાં સિમેન્ટની ભારે અછત હતી. તે સમયે નિમ્બાલકર સાહેબ સિમેન્ટ પરમિટ જારી કરવા જવાબદાર હતા.
મેં તેમને કહ્યું કે હું કાટેવાડીમાં ઘર બનાવી રહ્યો છું અને મને મદદની જરૂર છે. તેમણે મને 1000 થેલી સિમેન્ટ આપી. આ રીતે હું આખરે મારું ઘર બનાવી શક્યો અને પછી લગ્ન કરી શક્યો," તેમણે તેમની પત્ની સુનેત્રા પવારનો ઉલ્લેખ કરતા કહ્યું હતું.
પવાર કુટુંબ અને બારામતી વચ્ચે એક અતૂટ સંબંધ છે. દેશના,રાજ્યના રાજકારણમાં પોતાના કાર્યોથી આ કુટુંબે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. વરિષ્ઠ નેતા શરદ પવારે 1988માં બારામતીની કમાન અજિત પવારને સોંપી હતી. ત્યારબાદ અજિતદાદાએ પાછા વળીને જોયું નહોતું. બારામતીના લોકોએ તેમને સાત વખત સાંસદ તરીકે ચૂંટીને ખૂબ પ્રેમ આપ્યો.
નાયબ મુખ્ય પ્રધાને પણ બારામતીના લોકોના પ્રેમનો બદલો વાળતા આ તાલુકાની કાયાપલટ કરી દીધી. વહેલી સવારથી મોડી રાત સુધી બારામતીના લોકો માટે કામ કરનાર એમના માટે જીવનાર અજિત પવારે તેમના છેલ્લા શ્વાસ પણ આ બારામતીની ધરતી પર જ લીધા.