ગાંધીનગર: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે જે મુક્ત વ્યાપાર કરાર (FTA) અંગે મંત્રણા ચાલી રહી છે, તે ગુજરાત માટે પરિવર્તનકારી સાબિત થવાની તૈયારીમાં છે. આ કરારથી મેન્યુફેક્ચરિંગ અને નિકાસના ક્ષેત્રે ગુજરાતનું વર્ચસ્વ વધુ મજબૂત બનશે. કાપડથી લઈને ફાર્માસ્યુટિકલ્સ સુધીના ઉદ્યોગોમાં આનાથી વિકાસની નવી તકો ખુલશે.
ગુજરાતની અર્થવ્યવસ્થા પર FTAની અસર
હાલમાં બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની સરખામણીમાં ભારતીય કાપડ નિકાસ પર યુરોપમાં વધુ ટેક્સ લાગે છે. FTA અમલમાં આવતા સુરત અને અમદાવાદના ટેક્સટાઈલ હબ માટે યુરોપિયન બજારોના દ્વાર ખુલશે અને સ્પર્ધામાં ભારત આગળ નીકળશે. ફાર્મા ઉત્પાદનમાં અગ્રેસર હોવાને કારણે ગુજરાતને રેગ્યુલેટરી ધોરણોમાં સરળતા મળશે. આનાથી જેનરિક દવાઓ અને સ્પેશિયાલિટી કેમિકલ્સને યુરોપના 27 દેશોમાં મોકલવા સરળ બનશે. ટ્રેડ બેરિયર્સ હટવાથી એન્જિનિયરિંગ સામાન અને પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં નોંધપાત્ર ઉછાળો આવશે.
ભારત અને યુરોપિયન યુનિયનના આ કરારથી યુરોપિયન દેશો તરફથી ગુજરાતના ગિફ્ટ સિટી (GIFT City) અને ધોલેરા SIR જેવા વિશેષ ક્ષેત્રોમાં સીધું વિદેશી રોકાણ (FDI) વધવાની અપેક્ષા છે. નિકાસ ઉપરાંત, ગુજરાતના ઉદ્યોગકારોને યુરોપની આધુનિક ટેકનોલોજી અને મશીનરી સસ્તા દરે ઉપલબ્ધ થશે, જે ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કરશે.
ઉલ્લેખનીય છે કે, પોતાના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગલક્ષી નીતિઓના કારણે, ગુજરાત આ દ્વિપક્ષીય કરારનો સૌથી મોટો લાભાર્થી બનશે, જે હજારો નવી રોજગારીનું સર્જન કરશે અને રાજ્યના જીડીપી (GDP) માં મોટો વધારો કરશે.