અમદાવાદ: રાજ્યની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદોના ઘેરામાં આવી છે. શિક્ષણના ધામમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. કેમ્પસમાં આવેલી હોસ્ટેલની છત પરથી દારૂની ખાલી બોટલો મળતા શૈક્ષણિક આલમમાં વિવાદનો વંટોળ શરૂ થઈ ગયો છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે, જેના કારણે યુનિવર્સિટી વહીવટી તંત્ર દોડતું થયું અને તપાસના આદેશ આપવાની ફરજ પડી છે.
હોસ્ટેલની છત પર દારૂની બોટલ હોવાની જાણ થતા જ NSUI ના કાર્યકરો કેમ્પસમાં ઉમટી પડ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ માત્ર હોસ્ટેલ જ નહીં પણ આસપાસની અન્ય બિલ્ડિંગોની છત પર પણ તપાસ કરી હતી, જ્યાંથી વધુ બોટલો મળી આવી હતી. NSUI દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, વિરોધના ભાગરૂપે કાર્યકરોએ રજિસ્ટ્રારની ખુરશી પર 'દારૂની બોટલો મળી' તેવા લખાણ સાથેના પોસ્ટરો લગાવીને તંત્રની નિષ્ફળતા પર આકરા પ્રહાર કર્યા હતા.
યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા માટે અનેક પ્રવેશદ્વારો અને ચોવીસ કલાક સુરક્ષાકર્મીઓ તૈનાત હોવા છતાં આ પ્રકારની ઘટના બનતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. કેમ્પસમાં અવરજવર માટેના મર્યાદિત ગેટ અને રાત્રિના સમયે સિક્યોરિટી ગાર્ડ્સની હાજરી હોવા છતાં હોસ્ટેલની છત સુધી દારૂ કોણ લઈ ગયું તે રહસ્ય બની રહ્યું છે. શું આમાં કોઈ અંદરના વ્યક્તિની સંડોવણી છે કે પછી સુરક્ષામાં મોટી ચૂક રહી ગઈ છે, તે અંગે કેમ્પસમાં ગણગણાટ શરૂ થયો છે.
આ વિવાદ વકરતા ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે તાત્કાલિક અસરથી 4 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. આ કમિટીને 5 દિવસમાં સમગ્ર મામલાની તપાસ કરી રિપોર્ટ સોંપવા જણાવાયું છે. રજિસ્ટ્રારના જણાવ્યા મુજબ, સિક્યોરિટી ઓફિસર અને હોસ્ટેલના વોર્ડનની પણ આ બાબતે પૂછપરછ કરવામાં આવશે. જો કોઈની બેદરકારી સામે આવશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.