હિંમતનગરથી હૈદરાબાદ બાળક વેચવા જતી ગેંગના ૩ સાગરીતોની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે એક મોટા ઓપરેશનમાં બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરીને એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવી લીધું હતું. ગુજરાત એટીએસ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક કોતરપુર પમ્પિંગ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. રાત્રે આશરે ૨:૦૦ વાગ્યે હિંમતનગર તરફથી આવતી એક શંકાસ્પદ મારુતિ અર્ટિગા કારને આંતરીને તલાશી લેતા, તેમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. આ મામલે પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, જેઓ ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા ગેરકાયદે નેટવર્કનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું હતું.
સ્થળ પર કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, તેઓએ આ નવજાત શિશુને યુનુસ નામના વ્યક્તિ પાસેથી રૂ. ૩.૬૦ લાખમાં ખરીદ્યું હતું. આ ટોળકી બાળકને હૈદરાબાદ લઈ જઈને ત્યાંના નાગરાજ નામના એજન્ટને સોંપવાની પેરવીમાં હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ વંદના પંચાલ (ઓઢવ, અમદાવાદ), રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલ (હૈદરાબાદ) અને સુમિત યાદવ (વટવા, અમદાવાદ) તરીકે થઈ હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે સૂત્રધાર યુનુસ અને નાગરાજ વિરુદ્ધ પણ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસે કાર્યવાહી દરમિયાન રૂ. ૧૦,૦૫૦ રોકડા, ચાર મોબાઈલ ફોન અને તસ્કરીમાં વપરાયેલી અર્ટિગા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બચાવવામાં આવેલા નવજાત શિશુને સુરક્ષા અને તબીબી સારવાર માટે ચાઇલ્ડ કેર કોઓર્ડિનેશન સેન્ટરને સોંપવામાં આવ્યું હતું.