હેન્રી શાસ્ત્રી
મક્કમ નિર્ધાર અને દ્રઢ મનોબળનો સરવાળો જીવનમાં આવતા દરેક મુશ્કેલ દાખલાનો સાચો જવાબ આપવા સમર્થ હોય છે. માણસ જ નહીં, વનસ્પતિના કેસમાં પણ આ વાત યથાર્થ સાબિત કરતું ઉદાહરણ ચીનમાં જોવા મળ્યું છે. વાંસના કંદમાંથી ફણગો એટલા જોરથી બહાર નીકળે છે કે, તેના પર જો પથ્થર હોય તો તેને ઉડાડી દે અથવા તેમાં થઈને બહાર નીકળે.
ચીનના જિઆંગ પ્રાંતના વર્લ્ડ ટ્રેડ પ્લાઝાની બહાર લેમ્પના એક થાંભલામાંથી વાંસના પાન જે રીતે બહાર આવ્યા છે એ જોઈ સામાન્ય માણસ તો ઠીક, સાયન્ટિસ્ટ સુધ્ધાં માથું ખંજવાળવા લાગ્યા છે કે ‘યે કૈસે હુઆ?’ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો અનુસાર દીવાબત્તીના થાંભલાની નજીક જ આ વાંસના વૃક્ષના મૂળિયાં છે અને સહેજ અમથી જગ્યા મળતા છ મીટર (આશરે 20 ફૂટ) થાંભલાના પોલાણમાં સડસડાટ આગળ વધી શાનથી પોતાનું મુખારવિંદ બહાર કાઢ્યું છે.
વિજ્ઞાન અનુસાર અંધારામાં છોડનો વિકાસ બરાબર થાય નહીં, કારણ કે એના વિકાસ માટે જરૂરી ફોટોસિન્થેસિસની પ્રક્રિયા સૂર્યપ્રકાશની મદદથી જ થઈ શકે છે. જોકે, વાંસનો આ છોડ આફતને અવસર બનાવી લાંબી મુસાફરી અંધારામાં પાર કરી અજવાળું પામ્યો છે. હિંમત અને વિશ્વાસ હોય તો મુશ્કેલીમાંથી પણ મારગ કાઢી આગળ વધી શકાય છે એનું જીવંત ઉદાહરણ બતાવવા અનેક વડીલો બાળકોને આ વાંસના દર્શન કરવા લઈ આવે છે.
પૃથ્વી પર કેટલી કીડી છે ? વેલ, 20ને માથે 15 મીંડાં...
કીડી દેખાવમાં એક ઝીણું જંતુ છે. એક સૂક્ષ્મપત્રી ષટ્પદી જીવની ઓળખ ધરાવે છે. નાની, મોટી, લાલ, કાળી વગેરે ઘણી જાતની કીડી વિશે અનેક પ્રકારના સંશોધન થતા રહ્યા છે, કારણ કે એ અચરજનો વિષય છે. પૃથ્વી પર માનવ વસતિ આઠ અબજની આસપાસ હોવાનો અંદાજ છે. સંખ્યાની દ્રષ્ટિએ પૃથ્વી પર વધુ વસતિ કીડીબાઈની છે.
ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ અને જર્મનીના વૈજ્ઞાનિકોના સહિયારા સંશોધન અને અભ્યાસને અંતે એવું તારણ નીકળ્યું છે કે પૃથ્વી પર 20 quadrillion-સાદી ભાષામાં કહીએ તો 20 પછી 15 શૂન્ય (20,000,000,000,000,000) આવે એટલી કીડીનું અસ્તિત્વ છે. કીડી તો પામર જીવ છે અને મોટેભાગે એ કોઈને નુકસાન નથી કરતી. માનવ વસતિમાં વધારો ચિંતાજનક મનાય છે, પણ કીડીની સંખ્યાને ક્યારેય સમસ્યા તરીકે ઓળખ નથી મળી.
જોકે, વૈજ્ઞાનિકોની દલીલ છે કે આ સંખ્યાને હળવાશથી ન લેવી જોઈએ કારણ કે આ કીડીબાઈઓના વજનમાં 12 મિલિયન ટન કાર્બન છે. પૃથ્વી પરના પ્રત્યેક જંગલી સસ્તન પ્રાણીઓ અને જંગલી પક્ષીઓના વજન કરતાં કીડીબાઈના કાર્બનનું વજન વધારે છે. કીડીની વધતી જતી વસતિ કાર્બનના મુદ્દે મોટી સમસ્યા બની શકે એવી સંભાવના વ્યક્ત થઈ છે. પૃથ્વીના વિશાળ પટ પર હાજર વિવિધ જંતુઓની સરખામણીએ કીડીની વસતિ એક ટકો માનવામાં આવે છે. એના પરથી પૃથ્વી પર જંતુઓની સંખ્યાની ગણતરી જાતે કરશો તો નજર સમક્ષ મીંડાં તરવરવા લાગશે.
બુઢ્ઢી હોગી તેરી માં....
એક હિન્દી ફિલ્મમાં જૈફ ઉંમરે જુવાનીનું જોશ દેખાડવા થનગનતા અમિતાભ બચ્ચન ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ ગીત ગાય છે. ઉંમર કેવળ એક સંખ્યા છે અને ‘ગોઈંગ એઈટી, ફિલિંગ એઈટીન’ (ઉંમર 80 વર્ષની, ઉત્સાહ 18 વર્ષનો) એ ભાવના ઉજાગર કરતા જીવતા જાગતા લોકો જોવા મળે ત્યારે મનોબળની મજબૂતાઈનો ખ્યાલ આવે છે.
વિશ્વ સમક્ષ હેરત પમાડતાં ઉદાહરણો રજૂ કરવા માટે ખ્યાતિ મેળવનારા ચીનમાં 101 વર્ષના માજી ‘બુઢ્ઢી હોગી તેરી માં’ એવું રોફ સાથે કહી શકે એવાં સ્વસ્થ છે. ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ અખબારે એમની જીવન શૈલીનું વર્ણન ’રિવર્સ લાઈફસ્ટાઈલ’ તરીકે કર્યું છે. 101 વર્ષની ઉંમરે આજની પેઢી-જેન ઝીની જેમ માજી મોડી રાત સુધી જાગી ટીવી જુએ છે, ઘડિયાળના કાંટા સામે જોયા વિના કિચનના છરી કાંટા વાપરી ઈચ્છા થાય એ ફૂડ ખાવાની મજા માણે છે.
આવી લાઈફસ્ટાઈલ છતાં ગેસ-અપચો કે એવી બીજી કોઈ બીમારીથી ગ્રસ્ત નથી અને મજેદાર વાત એ છે કે એમની બત્રીસીમાંથી એક સભ્ય ઘર છોડી નીકળી નથી ગયો. સાત સંતાનને જન્મ આપનારાં આ દાદીમાનું દૈનિક જીવન ઓનલાઇન એમની જ દીકરીએ શેર કર્યું છે. 101 વર્ષની ઉંમરે 21 વર્ષનો ઉમંગ અને ઉત્સાહ ધરાવતાં માજી રાત્રે બે વાગ્યા સુધી ટીવી જોયા પછી જ પથારીમાં લંબાવે છે.
સવારે 10ની આસપાસ એમનું ગુડ મોર્નિંગ થાય અને ફ્રેશ થઈ સૌથી પહેલા ગ્રીન ટી ગટગટાવી જાય. ત્યારબાદ બ્રન્ચ (બ્રેકફાસ્ટ+લંચ). ડિનર સાંજે છની આસપાસ અને ભૂખ લાગે તો 9-10 વાગ્યે પેસ્ટ્રી, બિસ્કિટ, વેફર અને શક્કરિયાની વાનગીમાંથી કોઈ એક અને ઈચ્છા થાય તો એકથી વધુ આઈટમ ઝાપટી જવાની. આજીવન ડેન્ટિસ્ટનો દરવાજો નહીં ખટખટાવનારા માજી ક્યારેય અકળાતા નથી અને એટલે શાંતિથી નીંદર ખેંચી શકે છે અને આ જ એમની સ્વસ્થતાનું કારણ છે.
લગ્ન ફોક.... ટેકનોલોજી તેરે ખાતર
ટ્રિપલ તલાક અસ્તિત્વમાં હતા ત્યાં સુધી ચપટી વગાડતામાં લગ્ન તૂટી જતા હતા. બાકી સપ્તપદીના સાત ફેરા કે ચર્ચમાં વેડિંગ વાવ્સ (સાથ નિભાવવાના વચન) લીધા પછી છૂટા પડવાની ઈચ્છા સાકાર કરવા ક્યારેક વર્ષોનાં વર્ષો નીકળી જતા હોય છે. જોકે, રમણીય દેશ તરીકે જાણીતા નેધરલેન્ડ્સમાં મેરેજ થયા પછી તરત ફોક જાહેર કરવામાં આવ્યા હોવાનો એક વિલક્ષણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. વિલક્ષણ એટલા માટે છે કે લગ્ન વિચ્છેદ માટે વરરાજા- વહુરાણી કે પિયરિયાં-સાસરિયા જવાબદાર નથી. જવાબદાર છે મોડર્ન ટેકનોલોજી.
લખાણનું કામ આસાન કરી દેવા માટે હીરો જેવી નામના મેળવનારી ચેટજીપીટી નામની વ્યવસ્થા વરઘોડિયાના જીવનમાં વિલન સાબિત થઈ છે. એપ્રિલ 2025માં સિવિલ મેરેજથી હસબન્ડ-વાઈફ બનેલા યુગલે આ વર્ષે મેરેજ રજિસ્ટર કરાવી લેવાનું નક્કી કર્યું. સમય અને સગવડ સાચવવા એક ફ્રેન્ડને મેરેજ રજિસ્ટ્રાર બનવા કહ્યું. મિત્ર તૈયાર થઈ ગયો અને ચેટજીપીટીની મદદથી વેડિંગ સ્પીચ અને વાવ્સ તૈયાર કર્યા.
જોકે, તૈયાર થયેલી મેટરમાં ડચ સિવિલ કોડની આવશ્યકતા અનુસાર કાયદાકીય જરૂરિયાત અનુસારની વિગતો નહોતી. કોર્ટમાં રજૂઆત થઈ ત્યારે ‘અમે સાથે હસતા રમતા રહેશું અને કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાને પ્રેમ કરતા રહેશું’ જેવી વિગતો સાંભળવામાં આવી. ભાવના સારી હતી, પણ કોર્ટનું કહેવું હતું કે મેરેજને માન્ય રાખવા માટે જે કાનૂની જોગવાઈઓ છે એનો અમલ અહીં નહીં થઈ રહ્યો હોવાથી મેરેજ સર્ટિફિકેટ અમાન્ય ઠેરવવામાં આવે છે.
ટૂંકમાં ટેક્નોલોજીને કારણે લગ્ન ફોક કરવામાં આવ્યા. ચેટજીપીટીએ પ્રેમાળ પણ અનૌપચારિક ભાષા વાપરી જે કાનૂની દાયરા બહારની હોવાથી અમાન્ય ઠેરવવામાં આવી. આ કેસને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને કાયદાકીય વ્યાખ્યા વચ્ચે ઉદ્ભવી રહેલા ટેંશનના લાક્ષણિક ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. એઆઈના ચેટજીપીટી જેવા સાધન સ્પીચ, એગ્રીમેન્ટ અને અન્ય લખાણ ફટાફટ તૈયાર કરી આપે છે, પણ એમાં જરૂરી કાયદાકીય ટર્મિનોલોજીની હાજરી ન હોવાથી સમસ્યા ઊભી થાય છે.
લ્યો કરો વાત!
કેન્યાનું ઉમોજા નામનું ગામ આજકાલ ખાસ્સું ચર્ચામાં છે. આમ જોવા જાવ તો એ સીધું સાદું ગામડું છે જ્યાં ગાર અને છાણથી લીપેલાં ઘર છે, છોડ - ઝાડ સ્વરૂપે થોડી હરિયાળી છે, ગાય, ભેંસ ને બકરી છે અને હા મનુષ્યની વસતિ છે. જોકે, જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ત્યાં માનુનીઓ જ દેખાય છે. સમ ખાવા પૂરતો એક પુરુષ નથી દેખાતો. , કારણ કે આ ગામમાં પુરુષને ‘નો એન્ટ્રી’ છે.
વાત એમ છે કે પતિ કે પરિવારથી પીડિત સન્નારીઓ સહનશક્તિની સીમા વટાવી ગયા બાદ બધું છોડી મહિલાઓ માટેનું, મહિલા દ્વારા સંચાલિત ગામમાં વસવાટ કરે છે. ત્રીસેક વર્ષ પહેલા પુરુષ પ્રધાન સમાજથી વાજ આવી ગયેલી રેબેકા નામની સન્નારીએ એના જેવી પીડિત અન્ય 15 મહિલાઓ સાથે આ ગામને ‘ઓન્લી ફોર લેડીઝ’ ગામ તરીકે સ્થાપિત કર્યું. આ સ્ત્રીઓ ટ્રેડિશનલ બીડ સહેલાણીઓને વેચી બે પૈસા કમાઈ ગુજરાન કરે છે. નથી એમને પુનર્લગ્ન કરવાની ઈચ્છા કે નથી પરિવારમાં પાછા ફરવાની તમન્ના. ‘જીના યહાં, મરના યહાં’ એ જ જીવનમંત્ર છે.