ભાટી એન.
કુદરતી સૌંદર્ય અને દરિયા વચ્ચે કોઈ ટાપુ હોય તેમાં પ્રાચીન જોગધ્યાનપુરા આશ્રમ આવેલો છે. ચોમાસામાં વરસાદ થતા ત્યાં જવું અશક્ય બની જાય છે. જોકે મને ખાસ હુડકુંમાં લઈ જવા ફોરેસ્ટ ખાતા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ પરમિશન આપી હતી.મને આશ્રમ જવાનો મોકો મળ્યો જે ખૂબ રોમાંચક હતો. ચોતરફ પાણી વચ્ચે જતા શીતળ ઠંડી અને મનોહર દૃશ્યો જોવાનો લ્હાવો મળેલો. ત્યાં કોઈ માનવ વસતી નથી જ્યાં સુધી ડેમનું પાણી ઊતરે નહીં ત્યાં સુધી બધુ સૂમસામ રહે છે, પણ ત્યાં ગયા પછી મન પુલકિત થઈ ગયું.
મોરબી જિલ્લામાં આવેલ મચ્છુ ડેમ નં 2ની વચ્ચે આવેલ જોગધ્યાનપુરા આશ્રમના બાપુ પૂ.શ્રી 1008 શ્રી ધ્યાનશંકર મુક્તિનારાયણ (જોગડુંગરીવાળા બાપુ)નો જૂનો ઈતિહાસ જાણીએ. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સતીઓ, જોગીઓ, શુરવીરો ને હરિ દર્શનાભિલાષીઓની ભોમકા. ગામ-ગામને પાદરે, સીમાડે સતીઓની દેરીઓ, જોગીઓના ધરમ-નેજા, સિંદૂર રંગી પાળિયાઓ અને બાવન ગજની ધજાઓ હવામાં ફડફડતી આજેય જોવા મળે છે. આવી બહુરત્ના વસુંધરાએ અનેક સંતો, મહંતોને જોગીઓને પોતાની કુખે જન્મ આપીને કૃતાર્થતા અનુભવી છે. સૌરાષ્ટ્રના ‘પેરિસ’ કહેવાતા મોરબી શહેરનો પણ આગવો ઈતિહાસ ધરબાયેલો પડયો છે.
પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રીધ્યાન શંકર મુક્તિનારાયણ વર્ષો પહેલા મોરબી-વાંકાનેર વચ્ચે આવેલ ‘જોગ ડુંગરી’ (નાનો પહાડ) કે જે મચ્છુ નદીના કિનારે આવેલ તેના ઉપર વસવાટ કરેલો. તેઓશ્રીનું જન્મ સ્થાન નેપાળની સરહદે આવેલ દરભંગા જીલ્લો હતો. તેમણે ત્યાંથી ફરતા ફરતા સૌરાષ્ટ્રમાં ઉપરોકત સ્થળે નિવાસ કરેલ. એમ કહેવાય છે કે આ સ્થળ પુરાતની પાંડવોના વખતનું હતું.
આ પવિત્ર જગ્યા પર પૂ.બાપુશ્રી બિરાજમાન થયા અને ત્યાં સ્થાયી થયા. તેઓશ્રી પરમ શક્તિશાળી, યોગ-અભ્યાસી, વચન-સિદ્ધ સંત-પ્રભુનો અંશ હતા. ત્યાં મચ્છુ નદીમાં મોટો ડેમ મચ્છુ ડેમ નંબર-2 બાંધવાનો નિર્ણય કરેલો. ને ગુરુજીને ‘જોગ ડુંગરી’ આશ્રમની જગ્યા ખાલી કરી દેવા આદેશ આપવામાં આવેલ.પૂ.બાપુ તો કલ્પવૃક્ષ સમાન હતા.
તેઓએ આપેલ આશિષથી તેમનાં ભકતજનોમાં આજે પણ ભક્તિભાવ, સેવા અને સત્કાર્યોમાં વિશ્વાસ ધરાવે છે. ન ધારેલી ઘટના જેવી મોરબીની હોનારત સર્જાણી, તે સૌની નજર સામેની વાત છે. આ હોનારત વખતે ગુરુજીએ પોતાનો પાર્થિવ દેહ થાનગઢ મુકામે પાંચાલ ભૂમિમાં છોડી દીધેલ હતો. હાલમાં તેઓના ભકતગણોએ થાનગઢમાં તરણેતર રોડ પર ભવ્યાતિભવ્ય આશ્રમ બનાવેલ છે અને અસંખ્ય ધાર્મિક પ્રવૃત્તિ કરે છે.