લાંબા ઈંતેજાર બાદ આખરે સની દેઓલ સ્ટારર ફિલ્મ 'બોર્ડર 2' (Border 2)એ થિયેટરમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 1997માં આવેલી આઇકોનિક ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ છે. આ ફિલ્મમાં સની દેઓલ સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી જેવા કલાકારો છે. દમદાર સ્ટોરી અને એક્શન સિક્વન્સને કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. પણ સોશિયલ મીડિયા પર આ ફિલ્મના વિલનની ચર્ચા થઈ રહી છે. ચાલો જોઈએ કોણ છે આ હેન્ડસમ હંક જેવો દેખાતો એક્ટર?
'બોર્ડર 2' ફિલ્મમાં સની દેઓલનો દમદાર અંદાજ અને વરુણ ધવન સાથે વિલનની ખતરનાક ફાઈટની ચર્ચા થઈ રહી છે. શું તમે જાણો છે કે કોણ છે આ નવો વિલન? દેશભક્તિ અને યુદ્ધના રોમાંચથી ભરપૂર આ ફિલ્મમાં સની દેઓલે ફરી એકવાર પોતાના પાવરફુલ પર્ફોર્મન્સથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. જોકે, આ વખતે ફિલ્મમાં હીરો સની દેઓલની સાથે સાથે વિલનની પણ એટલી જ ચર્ચા થઈ રહી છે.
'બોર્ડર 2' માં પાકિસ્તાની ઓફિસર તરીકે અલી મુગલ (Ali Mughal)એ વિલન કરીકે જોવા મળ્યો છે. અલી મુગલનો રોલ ભલે વિલનનો હોય, પરંતુ તેની એક્ટિંગે ફિલ્મની સ્ટોરીમાં એક અલગ જ લેવલની ઈન્ટેન્સિટી ઉમેરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં અલી ફિલ્મ 'તેજસ', 'સુખી' અને વેબ સિરીઝ 'ટબ્બર' માં જોવા મળી ચૂક્યો છે, પરંતુ 'બોર્ડર 2' તેના કરિયરનો મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે.
ફિલ્મનો સૌથી ચર્ચિત હિસ્સો વરુણ ધવન અને અલી મુગલ વચ્ચેનો ૩ મિનિટ લાંબો ફાઈટ સીન છે. આ સીન વિશે વાત કરતાં એક ઈન્ટરવ્યુમાં અલી મુગલ જણાવ્યું કે હતું કે આ ૩ મિનિટના સીન માટે તેણે ૩ મહિના સુધી સતત પ્રેક્ટિસ કરી હતી જેથી દરેક મૂવ પરફેક્ટ આવે. શૂટિંગ દરમિયાન ગાદલાને બદલે પથરાળ જમીન, ધૂળ અને માટી વચ્ચે કામ કરવાનું હતું. આ ફાઈટ એક સાંકડી ખીણમાં શૂટ કરવામાં આવી હતી, જ્યાં બેલેન્સ જાળવવું અત્યંત મુશ્કેલ હતું.
ફિલ્મના એક્શન ડાયરેક્ટરે આ સીનને એટલો રિયલ બનાવ્યો છે કે પ્રેક્ષકોને રૂંવાડા ઉભા થઈ જાય. શૂટિંગ પહેલા અલી અને વરુણ ધવને 'બબીના' લોકેશન પર પહોંચીને બે-ત્રણ દિવસ સુધી સતત રિહર્સલ કર્યું હતું જેથી કોઈને ઈજા ન પહોંચે અને સીન એક જ ટેકમાં પરફેક્ટ સીન ફિલ્માવી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે લાંબા સમય બાદ સની દેઓલ ફરી એકવાર પોતાના જોશીલા અંદાજમાં મોટા પડદા પર પાછા ફર્યો છે. આ ફિલ્મમાં સની દેઓલે પોતાના પિતા અને દિવંગત એક્ટર ધર્મેન્દ્રને ટ્રિબ્યુટ આપી છે, જે દર્શકોને ખૂબ જ સ્પર્શી ગઈ છે.
ફિલ્મની શરૂઆતમાં જ્યારે તેમાં કામ કરનારા કલાકારોના નામ આવે છે એમાં સની દેઓલે પોતાના નામની પાછળ ધર્મેન્દ્રજી કા બેટા એડ કરાવ્યું છે. સની દેઓલ સાથે આ ફિલ્મમાં યુવા કલાકારોની નવી એનર્જી ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે. ફિલ્મમાં યુદ્ધના દ્રશ્યો સાથે જોડાયેલા ઈમોશન્સ પ્રેક્ષકોને જકડી રાખવામાં સફળ રહ્યા છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.