અમદાવાદઃ ઘી-કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે આવેલા નવતાડની પોળમાં મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળ્યું છે. મકાન પડતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ થતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગઈ અને દટાયેલા લોકોનું રેસ્ક્યૂ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં, જેમાં એક મહિલાનું મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે મકાન ધરાશાયી થયાનો આક્ષેપ
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ સાથે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પણ આવી પહોંચી છે. સ્થાનિકોનો આક્ષેપ એવો છે કે, આ મકાન મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે ધરાશાયી થયું છે. આ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈન માટે ખોદવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના કારણે મકાન ધરાશાયી થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. સૂત્રોના જાણવ્યાં પ્રમાણે આ ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બે મજૂરો પણ ઈજાગ્રસ્ત થયાં છે.
પોળમાં આવેલા મકાનો 100 વર્ષ કરતા પણ વધારે જુના
આ સમગ્ર ઘટના અંગે ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું હતું કે, અહીં પોળમાં આવેલા મકાનો લગભગ 100 વર્ષ કરતાં પણ વધારે જુના છે. જે મકાન ધરાશાયી થયું ત્યાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હતું. જેના કારણે મકાન પડ્યું છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકો નીચે દટાયા હતા. જેમાં બે લોકો અત્યારે સિવિલમાં સારવાર હેઠળ છે. જ્યારે 62 વર્ષીય પુષ્પાબેન પંચાલનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.