અમદાવાદઃ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ હાઉસિંગ યોજનાઓનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. આ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ત્રણ પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો મંગાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના મત વિસ્તાર નારણપુરામાં ત્રણ અને ગોતામાં એક મળી ગુજરાત હાઉસિંગ બોર્ડની કુલ ચાર વસાહતોનું રિડેવલપમેન્ટ કરાશે.
વર્ક ઓર્ડર મળ્યાના 40 મહિનામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે
ગત સપ્તાહે આવા જ એક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગોતામાં મહાત્મા ગાંધી વસાહત અને સ્લમ ક્લિયરન્સ સેલ એરિયાનો સૌથી મોટો સૂચિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ સામેલ છે. આ પ્રોજેક્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના 2004 આવાસ, લો ઈન્કમ ગ્રુપ (LIG) ના 1836 આવાસ અને 87 હાલની કોમર્શિયલ દુકાનનો સમાવેશ થાય છે. આશરે ₹ 504.749 કરોડના અંદાજિત ખર્ચ સાથે, હાઉસિંગ બોર્ડના કુલ રોકાણમાં ગોતા પેકેજનો મોટો હિસ્સો છે. વર્ક ઓર્ડર મળ્યાના 40 મહિનામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. જેમાં મંજૂરી માટે 4 મહિના અને બાંધકામ માટે 36 મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત નારણપુરામાં આવેલા હેપી હોમ એપાર્ટમેન્ટ, નિધિ એપાર્ટમેન્ટ અને સૂર્યા એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ પણ કરવામાં આવશે. હેપી હોમ એપાર્ટમેન્ટના બ્લોક 18 થી 36 વચ્ચે 114 હાઈ ઈન્કમ ગ્રુપ (HIG) ફ્લેટ્સનું આશરે ₹ 50.82 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવશે. આ કામ 30 મહિનામાં પૂર્ણ થશે. જેમાં 6 મહિના મંજૂરી અને 24 મહિના બાંધકામ માટે નક્કી કરવામાં આવ્યા છે.
નારણપુરાના બ્લોક 32 અને 33માં આવેલા નિધિ એપાર્ટમેન્ટના 24 HIG ફ્લેટ્સના રિડેવલપમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. ₹12.35 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ 28 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તેમજ નારણપુરા વિસ્તારમાં જ સૂર્યા એપાર્ટમેન્ટ (બ્લોક 2) ખાતે અન્ય એક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન ગયા અઠવાડિયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
PPP મોડેલની કાર્યપદ્ધતિ આ તમામ પ્રોજેક્ટ્સ ઇન્ટિગ્રેટેડ રિડેવલપમેન્ટ મોડેલ હેઠળ હાથ ધરવામાં આવશે. આ ફ્રેમવર્ક હેઠળ, ખાનગી ડેવલપર્સ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે હાલના રહેણાંક એકમોનું નિઃશુલ્ક પુનઃનિર્માણ કરશે. પ્રોજેક્ટનો ખર્ચ વસૂલવા માટે, ડેવલપર્સને વધારાની જમીન અને ઉપલબ્ધ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) નો ઉપયોગ કરીને ખુલ્લા બજારમાં વેચાણ માટે વધારાના રહેણાંક અથવા વ્યાપારી એકમો વિકસાવવાની મંજૂરી આપવામાં આવશે.